________________
૨૯૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ આજે જે અવસ્થા વાંછે છે એ ભૂતકાળમાં એવી અવસ્થામાં અનંતવાર જઈ આવેલ છે... પણ તૃપ્ત થયો નથી ! સુખ શું કોઈ અવસ્થામાં હશે ? ના..ભાઈ..ના.. સુખ તો એથી પાર થઈ આત્મસ્થ થવામાં જ છે – બસ, એ સિવાય ત્રણકાળમાં સુખ લબ્ધ થનાર નથી.
વિકારી મન નતનવી વાંછાઓ કર્યા કરે છે. આ વાંછાઓ જ પાપનું ને દુઃખનું મૂળ છે. સુખ તો વાંછા રહિત થવામાં છે. એકવેળા તમે સઘળી વાંછાને વિદાય આપી જૂઓઃ જૂઓ કે તત્કાળ કેવી ગહેરી સુખ-શાંતીની સરવાણીઓ એ પછી સંવેદાય છે.
મૂળમાંથી વાંછા જશે તો મન તુર્ત જ નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશશે. આરંભકાળમાં તો અલબત મન છટકી છટકીને વારંવાર વાંછાઓના રવાડે ચઢી જશે, અનાદિનો એવો અભ્યાસ છે ને? પણ આખર વાંછા તુટતા, સમાધિનો દોર સહેજે સંધાતો જશે.
સારું કે નરસું એ બધુ મન સાપેક્ષ છે. મનનો જ આત્મામાં લય થઈ જાય તો પછી શું સારું? – શું નઠારૂં?... એ પછી તો એક આત્મા સિવાય દુનિયાના તમામ વિષયો પ્રતિ એવી પ્રગાઢ ઉદાસીનતા ઉદ્દભવે છે કે સારા-નરસાના ભેદ જેવું ખાસ કંઈ રહેતું નથી.
યોગના ચરમ શિખરે પહોંચી પરમ ચેતન્યાનંદ અનુભવવો હોય તો અમન દશામાં આવ્યા વિના મનનો આત્મામાં પૂર્ણ લય કર્યા વિના – છૂટકો નથી, કારણ બધો શોરબકોર ને ઉત્પાત મનનો જ છે. એનો લય થતાં જ અનિર્વચનીય શાંતિ પ્રગટે છે.
મન વગર તૃષ્ણા ન જીવી શકે ને તૃષ્ણા વગર મન ન જીવી શકે. તૃષ્ણા ઉપશાંત કરો તો મન આપોઆપ ઉપશાંત થઈ રહે છે. મારે કશું જ જોઈતું નથી.' – એવો આત્મનાદ ગુંજી ઉઠે તો મનને ઉપશાંત થઈ.. આત્મામાં ભળી જવા સિવાય ઉપાય રહે નહીં.
વિષાદપૂર્ણ ચિત્તસ્થિતિ હોય તો હોય..., હું એ ચિત્તસ્થિતિનો કેવળ જાણનાર છું વેદનાર નહીં. વિષાદભાવનો ય મને ઈન્કાર નથી. હું એને ય પૂરી પ્રસન્નતાથી સ્વીકારી લઊં છું. હું સ્થિતિનો જાણનાર છું પલટાવનાર નહીં આ ભાવ રહે તો સ્થિતિ શીધ્ર સુધરી શકે છે.