________________
૩૦૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાધકે એ ભૂલવું ન જોઈએ કે એણે અધ્યાત્મસેવન દ્વારા આખા ને આખા પલટાય જવાનું છે. પોતાની જાતનું સમૂળગું રૂપાંતરણ કરવાનું છે. આખો નવો અવતાર જ ધારણ કરવા જેવો પરિવર્તનનો ક્રાંતિકારી પુરુષાર્થ સમાચરવાનો છે.
જે પ્રતિસમય પલટાવા તત્પર નથી – જૂની ઘરેડતમામ પલટાવવા જે સમુત્સુક નથી – જીવનશૈલીમાં આમૂલચૂલ પલટો કરી નાખવાની જેનામાં ઝિંદાદિલી નથી; એના માટે અધ્યાત્મનો રાહ જ નથી. ભાઈ, આ તો મરજીવા માનવીઓનો માર્ગ છે.
જેને ઊંડો ‘આંતરસંશોધન' નો પુરુષાર્થ કરવો નથી ને બાહ્ય ક્રિયાકાંડ કરીને જ તોષ માનવો છે – અને – એમ જ મેં ઘણું કર્યાનો હર્ષ વેદવો છે – ગર્વ કરવો છે...અહાહા, ભાઈ ! એવા જીવો માટે કંઈ મહાવીરોનો મારગ નથી બોધાતો હોં.
ભાઈ ! આત્માનું રૂપાંતરણ... સમજણના રૂપાંતરણથી થાય છે. અવળી સમજણથી જ આથડવાનું છે ને સવળી સમજણથી જ ઉગરવાનું છે. સહેલો ગણો કે કપરો ગણો... સમજણ સુધારવાનો પુરુષાર્થ થાય એ જ સાચો સન્માર્ગ છે, એ જ સાચો ઉપાય છે.
જીવને જ્યારે અંતઃકરણથી મહેસુસ થાય કે હું કાંઈ જ યથાર્થ જાણતો કારવતો નથીઃ હું કાંઈ જ કરી શકવા સમર્થ નથીઃ મને કોઈ ઉગરવાનો યથાર્થ ઉપાય ભાસ્યમાન થતો નથી; ત્યારે એનું હૈયું ગદ્ગદિત થાય છે ને એવા ભીનાં હૈયામાં પ્રાર્થનાનો ઉદ્ગમ થાય છે.
પરમાત્માને પુકાર... અર્થાત બગડી બાજી સુધારવાની પોતાની કોઈ જ ક્ષમતા નથી એવો અંતરથી એકરાર, જીવન કેટલું અનંત રહસ્યમયી છે – અજ્ઞાત-અકળ છે! આમ આદમી જીવનને – એના અગણિત પાસાઓને – સમજી સુદ્ધાં નથી શકતો ત્યાં સુધારી તો કેમ શકે ?
ઘણીવાર જીવ પ્રાર્થનાદિ પરમકાર્યોમાં રાચે છે તો ઘણીવાર પ્રભુના આદેશને અવગણી સ્વચ્છંદી વૃત્તિ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાય છે. માનસરોવરનો હંસ, મોતીનો ચારો ચણવાના બદલે ક્યારેક કાદવ પણ ચૂંથવા લાગે એવી જીવની વિચિત્રદશા ય થઈ જાય છે.