________________
૩૦૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
સમજી સમજીને વળી વળી ભૂલ્યો છે આ જીવ... અહાહા, એણે સમજણો કેટલી કરી ? આખા વ્યતીત જીવનને વિલોકીએ તો વિપુલ ગ્રન્થભંડાર સર્જાય એટલી સમજણો એણે કરી.–પણ – મોહનું જોર એવું નિઃસીમ છે કે, તો ય વારેવારે જીવ ભૂલો પડે છે !
હું કોણ છું –હું કોણ છું – એના માત્ર જાપ કરવાના નથી પણ ગંભીર અને અંતર્મુખ બની પોતાની સનાતન-શાશ્વત અસ્તિ મહેસૂસ થાય એવી મૌન-પ્રતીક્ષા કરવાની છે. જ્યારે સહજ અંતર્ભાન ઉગી આવે કે હું ત્રણેકાળ ટકનાર પદાર્થ છું ત્યારે જંપવાનું છે.
પીયુ પરદેશ ગયેલ હોય અને એના કોઈ વાવડ ન હોય તો સતીનાર એના વાવડની કેવી આતુરપણે પ્રતીક્ષા કરે ? સંભારવું ન પડે – એને એજ સાંભર્યા કરે. પીયુના પત્રની પ્રતીક્ષામાં જ એની સમસ્ત ચેતના તન્મય થઈ ગઈ હોય – બીજા કશામાં ય દિલ લાગે નહીં.
જેટલા વધુ પ્રશાંત થઈને... જેટલા વધુ સ્તબ્ધ થઈને... જેટલા વિશેષ ધીરગંભીર થઈને... જેટલા વધુ ગમગીન થઈને.... જેટલો વધુ નિર્વિકલ્પ થઈને..., આત્મદર્શનની પ્રતીક્ષા થાય – ચાહે તેટલો કાળ એ પ્રતીક્ષામાં જાય – બસ એમાં જ ઓતપ્રોત રહેવું ઘટે..
મને કેમ હજુ ‘આત્મદર્શન નથી થતું ??? – એવા ઉછાંછળા થઈ જવાની જરૂર નથી. આ તો અનંતધર્યનું કામ છે... સાધકના પૈર્યનો ક્યારે પણ અંત આવવો જોઈએ નહીં. મને અચૂક અચૂક આત્માનુભવ સાંપડશે જ એવી અતુટ-અમીટ આશા હોવી ઘટે.
ચાહ હશે તો રાહ મળી આવશે જ.’– સમસ્ત ચેતનાની ચાહ હશે તો ચૈતન્યદેવ છૂપાયેલા નહીં રહી શકે. અંતરની ગહન અભીસાવાળા સર્વને એ ચૈતન્યજ્યોત પ્રગટ અનુભવમાં આવેલ છે. અભીપ્સા જેટલી અવગાઢ થશે એટલું વહેલું કામ બનશે.
અમને લખતા ય રણઝણાટી થાય છે એવું મધુરસુખ તો એની પ્રતિક્ષામાં પણ રહ્યું છે. એ પ્રતિક્ષા જ પ્રગાઢ થયે, જીવને બીજી તમામ જંજાળ ભૂલાવે છે. એ પ્રતિક્ષા જ ચિત્તને સ્તબ્ધ.શાંત-પ્રશાંત બનાવી દે છે. પ્રશાંત ચિત્તમાં સહજ આત્મભાન ઉગી આવે છે.