________________
૨૮૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
મોક્ષની તલપ જેમજેમ વધતી જાય, અર્થાત શુદ્ધાત્મામાં સમાય જવા પ્રાણ અધીરા થઈ જાય: એમએમ સાથે સાથે અનંતા કર્મોના આવરણો ખરી જવા પામે છે. સમયે સમયે આત્માની અપાર વિશુદ્ધિ સર્જાતી જાય છે..
તત્વ શું? ... તત્વ શું?... તત્વ શું? એમ તીવ્રતમ તલાશ ચાલવી જોઈએ. વાતેવાતે ગહન જિજ્ઞાસા ઉઠવી જોઈએ કે તત્વતઃ હકીકત શું? હકીકતને હકીકતરૂપે સમજવા તીવ્ર વિચારણા – મનોમંથન ઊહાપોહ આદિ ચાલ્યા જ કરે એનું નામ સાધકદશા છે.
તત્વના અભ્યાસ– સંશોધન અને અનુશીલન – પરિશીલનથી સમક્તિ નિર્મળ થાય છે. આથી સાધકે તત્વાધ્યયનની ઉપેક્ષા કરવી ઘટે નહીં. એવી સ્થિતિ બની જવી જોઈએ કે, અવસર લાધે કે તત્કાળ તત્વમંથનમાં ડૂળ્યા વિના રહેવાય નહીં.
સાધકે ચિત્તને સુસ્ત કે પ્રમાદી ન થવા દેવું. અલબત, સ્વરૂપમાં વિશ્રામ પામી ચિત્ત શાંત-નિષ્ક્રીય થતું હોય તો અલગ વાત છે. બાકી જ્ઞાનમાં શિથિલતા ન આવે અને જ્ઞાન નિરંતર સતેજ સતેજ બન્યું જ રહે એ જોવાનું છે.
શાસ્ત્રાધ્યયન કે સવાંચન પણ સ્વને વિસ્મરીને કરવાનું નથી. ખરેખર તો એ સ્વનું સ્મરણ સુગાઢ બનાવવા ને સ્વહિતપરાયણ બનવા અર્થે કરવાનું છે. એક જ જનમમાં, આત્માનું અનંતહિત સાધવા કેવી પ્રગાઢ દરકાર જોઈએ ?
જ્યારે વિવેકનો દીપ અતી પ્રયાસે ય પ્રજ્જવલીત નથી થતો ત્યારે સાધકહૃદય અપાર પર્યાકૂળ બની જાય છે. અહીં સાધકહૃદય વિરહિણી સતી નાર માફક નિસર્ગતઃ જ ઝૂરે છે. વિવેકદીપ સતેજ થાય પછી જ એને હવે જંપ પ્રગટે છે.
મોટામોટા માંધાતાઓની ય જરાવસ્થામાં કેવી મજબૂર સ્થિતિ બને છે એ જોતા, અને દેહ છોડતી વેળા મહારથીઓની ય કેવી દયનીય હાલત બની રહે છે એ જોઈને જીવે ગુમાન મૂકી દેવા જેવું છે. ન માલૂમ પોતાની પણ દશા...?