________________
૨૫૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
હું આ પંચભૂતનું પુતળું નથી. અસ્તવ્યસ્ત મન તે હું નથી. બેબાકળી બુદ્ધિ તે હું નથી. વિવિધ વિચારો ઉઠે તે હું નથી. ઉઠતી અવનવી સંવેદનાથી પણ હું ભિન્ન છું. હું તો ઝળહળાયમાન ચૈતન્ય-જ્યોતિ છું' - એવી રટણા સતત ચાલવી જોઈએ.
એકવાર સહજ સ્વભાવની મસ્તિ વેદાય પછી જીવને દિવા જેવું સમજાય છે કે આ આત્મભાવ સિવાયના તમામ ભાવો પર છે . વિભાવ છે. એ કોઈ કરતાં કોઈ વિભાવમાં રાચવા જેવું નથી. સર્વભાવો પ્રતિ ઔદાસીન્યતા ધરવા જેવી છે.
તમામ વિભાવોથી સ્વભાવ અળગો છે... આથી ચાલુ તમામ ભાવો વેળાએ પોતાની અલગ અસ્તિ ગ્રહવા સંનિષ્ઠ યત્ન કરવો. અસ્તિ પકડાણી કે કોઈ ભાવોનું મૂલ્ય એના કરતા અધિક નહીં ભાસે. એથી પછી કોઈ ભાવોમાં ચોંટવાપણું નહીં થાય.
પોતે ખરેખર કોણ છે? એની પિછાણ થઈ આવે તો બાકીના દેહાદિ બધા ભાવો સ્વતઃ પોતાથી ભિન્ન ભાસી જાય, પરમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ છે. અને પોતાના સનાતન શાશ્વત રૂપમાં આત્મપણાની સ્વપણાની બુદ્ધિ એ જ સમ્યક્ત છે. ખૂબ ખૂબ વિચારજો આ તથ્ય.
શરીરની મમતા ભૂલવા જેવી છે. એક અર્થમાં શરીર આત્મારૂપી પંખીને પુરનારૂં પીંજરું છેકેદખાનું છે. ક્યા કરમની સજાએ આ કેદ આત્માને વળગી ચૂકી છે ને ક્યા ભરના કારણે એ કેદ કઠતી પણ નથી ??
સંસારમાં સાર હોત તો જ્ઞાનીઓ એને અસાર કહેત નહીં. મૂળ તો સ્વભાવમાં સ્થિરતા નથી થઈ . સ્વભાવસુખ સુપેરે ભોગવાયું નથી - એથી જ તુચ્છ સંસારસુખમાં સારપણાની બુદ્ધિ રહી છે. એ નિવર્તે નહીં ત્યાં સુધી નિર્વાણની પ્રાપ્તિ સંભવ નથી.
સ્વભાવમાં રતિ-પ્રીતિ થવા ચિત્તની સ્થિરતા-સ્વચ્છતાની જરૂરત છે. ચંચળ ચિત્ત અન્યત્ર જ ભટકતું રહે તો સ્વભાવની રમણતા ક્યાંથી લાવે ? માટે ચિત્તને અસ્થિર કરનારા તમામ કાર્યો ત્યજી દેવા: અથવા એનો અત્યંત સંક્ષેપ કરી નાખવો.