________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૫૯
જ્યાં માનાદિક કે સ્વર્ગાદિક કોઈપણ પ્રકારની સ્પૃહા છે ત્યાં સ્વાભાવિક સાધુતા ખીલી શકતી નથી. કોઈપણ પ્રકારની સ્પૃહા ન હોય એવી પરમ નિસ્પૃહદશા હોય ત્યાં જ પરમ યોગીદશા – પરમ આત્મલીનદશા સહજ ફુલેફાલે છે.
વિષયો અને કષાયોની અત્યંત નિર્મળતા આત્મજ્ઞાન-આત્મધ્યાન વિના થતી નથી. બાકી મંદકષાયી તો જીવ અનંતવાર થઈ ઉચ્ચ સ્વર્ગોમાં જઈ આવ્યો છે. એથી કાંઈભવભ્રમણ મચ્યું નથી. પ્રખર આત્મજ્ઞાન વિના નિષ્કષાયી થઈ શકાતું નથી.
મન માનવીને ગજબનાક છેતરી જાય છે... એ કહે છે કે – બસ થોડુંક વિષયસુખ હું આસ્વાદી લઉં. પછી હું એનાથી તદ્દન વિમુક્ત થઈ જઈશ. મનનું એ થોડું ક્યારેય પૂર્ણ થતું જ નથી. આવા વાયદાઓ તો મન અનંતજન્મોથી આપતું આવેલ છે.
આત્માનુભવનું અપૂર્વ સુખ સંવેદાય અને સાધકને મનોમન થાય કે પૂર્ણ-ઉપાધિરહિત અને સહજસાધ્ય એવું આ સુખ જ હવે મને આદરણીય છે, આ જ સુખને આસ્વાદતો થકો હું અનંતકાળ સર્વ કડાકુટોને ક્લેશોથી વિમુક્ત બની રહ્યું – પછી વિષયો નિર્મળ થાય છે.
જ્ઞાનીઓ કહે છે કે... ચિત્ત સર્વ ક્લેશરહિત, સહજ પ્રસન્ન અને સર્વ સંશયરહિત બની રહે એ જ જ્ઞાન પામ્યાનું સાચું ફળ છે. અહી..હા ચિત્તવૃત્તિ સર્વ ક્લેશથી રહિત બની રહે તો એ આનંદ કેવો ભલો ને ભવ્ય છે એ તો કેવળ એના ભોક્તા જ જાણે.
પ્રત્યેક માનવી નિરૂપાધિકદશા તો ચાહે જ ને ? બીજો અવતાર મળે તો એમાં આ અવતાર જેવી કોઈ ઉપાધિન હો એવું પ્રત્યેક માનવહૃદય ઈચ્છે... પણ ઉપાધિ જેને મૂકવાની સાચી ભાવના છે. એણે સર્વ ઉપાધિના મૂળ એવી મોહિનીમાંથી ચિત્ત ઉઠાવી લેવું ઘટે.
જ્ઞાનીઓ સાફસાફ વાત કહે છે કે, પરિવારની વચ્ચે રહી જીવ પરિવાર જેવો પામર અને પંગુ થઈ ગયેલ છે. પોતાની અસ્મિતા ભૂલી એ અન્યોના પ્રભાવળે આવી ગયેલ છે. એકલો આવ્યો ને એકલો જ જવાનો. ભાઈ, ગાડરના સમુહમાં રહી તારૂં સિંહત્વ કાં ભૂલે ?