________________
૨૬૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ લાચારી કરે છે કે, પરિવાર વિના હું એકલો કેમ જીવી શકું? પણ હમણાં જ જો કાળ આવી જાય તો બધાને ત્યજી તારે એકલા જ ચાલ્યા જવું રહેને? તો પરિવાર વિના જઈ શકીશ ? રે... એમ અનંતા પરિવારો વિછોડ્યા... કોઈ પરિવાર જીવનો રહેતો નથી.
DONS અહીંથી અલવિદા થયા પછી, અનંત દિર્ધ યાત્રામાં કોણ ફરી ક્યાં મળવાનું છે, પાછું? મળવાનું છે કદીય ? ભાઈ ના, કોઈકની ઉર્ધ્વગતિ થશે તો કોઈકની અધોગતિ. કોઈ ઉત્તર દિશા ભણી જશે તો કોઈ દક્ષિણ. કોણ શું બની જશે એ પણ કોને ખબર ?
જુવાનીના જોર-તોરમાં નથી સમજાતું કે આ કાયા કેદખાનું છે. જ્યારે જરાવસ્થા આવે ત્યારે જ એ બ્રહ્મજ્ઞાન લાવે છે. ક્યારે આ પીંજરામાંથી છુટું.. ક્યારે છુટું.. એમ ત્યારે થાય છે. કાશ. તો ય અશરીરી બની, બ્રહ્માનંદમાં લીન થવાનું મન થતું નથી !
આત્મજ્ઞાનીને કોઈ અવસ્થાનો કશો હર્ષ-શોક હોતો નથી. અવસ્થા માત્રથી એ તો પાર ઉઠેલા હોય છે. એમનું સુખ સ્વરૂપ-સ્થિરતાનું જ છે. આથી સર્વ ઉદ્યમ વડે તેઓ પ્રચૂર સ્વરૂપસ્થિરતા જાળવી જાણે છે... ને અવસ્થાથી બે-તમા રહે છે.
સ્વરૂપસ્થિરતામાં વિક્ષેપ ઉત્પન્ન થાય એ વિક્ષેપ જ જ્ઞાનીને વ્યાધિ લાગે છે. દેહના વ્યાધિની એમને પરવા હોતી નથી. વ્યાધિ મધ્યેય સમપરિણતિનું સુખ તો જ્ઞાની અપરંપાર અનુભવે છે. એથી વ્યાધિમાં ય એમને ઘણીઘણી સમાધિ હોય છે.
સત્સંગનો યોગ મળે છતે જો જીવ આત્મદશામાં આમૂલ પરિવર્તન ન સાધી શકે તો જીવનું હોનહાર જ એવું સમજવું રહે. સત્સંગ તો પારસમણિ છે. એ લોઢા જેવા જીવને ય કંચન જેવો સુકુમાળસુંદર બનાવ્યા વિના રહે નહીં.
અહાહા...સત્સંગના બોધને જીવ જો રૂડીપેરે આત્મસાત કરી લે તો એનું જીવન એવું અદ્ભુત પલટો ખાય જાય કે જેનું વર્ણન થઈ શકે નહીં. સાચા સંતની બરોબરી કરી લે એવું પાવનભવ્ય જીવન બની રહે. મહાન તીર્થતૂલ્ય જીવન બની જાય.