________________
૧૧૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
સંસારનું સ્વરૂપ તો – જેવું છે તેવું – ઉજ્જડ જેમ જ્ઞાનીઓને ભાસે છે એમ દરેક સંસારીને પણ ઉજ્જડ ભાસી શકે છે – પરંતુ સંસારી આશામાં ને આશામાં જ એને લીલુછમ દેખી રહે છે – આશા એને વાસ્તવિકતા વિલોકવા દેતી નથી.
સંસારનું સ્વરૂપ વેરાન જેવું – અભાવ ઉત્પાદક – ન હોત તો અગણિત વિવેકવાન મહાપુરૂષો એને છોડવા કૃતનિશ્ચયી થયા ન હોત. વસ્તુસ્થિતિ જેમ છે તેમ જોવાથી – સ્વીકારવાથી, મનના ઉભરાઉદ્વેગ ઉત્પન્ન થતા અટકે છે.
વસ્તુસ્થિતિ તો બુદ્ધોથી કે મહાવીરોથી પણ બદલાવી શકાતી નથી. સુખના કામીએ વસ્તુસ્થિતિ જેમ છે તેમ સ્વીકારી, પોતાની મંઝીલ બદલી લેવાની છે. જગતના અગણિત માર્ગો પરથી મનને પાછું વાળી આત્મામાં તલ્લીન કરી દેવું ઘટે છે.
વિભ્રાંત જીવને જો બહારથી જ સુખ મેળવવાનો આગ્રહ હોય તો ક્ષણીક સુખ સાથે ઘણાં દુઃખો અપનાવવા પણ એણે તૈયાર રહેવું ઘટે છે...અને કાળાંતરે દુર્ગતિમાં જવાની પણ તૈયારી રાખવી ઘટે છે. નહીં તો રાહ બદલવો જ રહ્યો.
કલ્પનાના મોટા મહાકાય મીનારાઓ ચણી...એના ઉપર મોટો મદાર બોધીને...જીવ કદમ કદમ પર દુઃખ વેઠતો પણ સુખની મધુર આશાએ ચાલ્યો જાય છે. માત્ર જ્ઞાનીઓ જ જાણે છે કે આ આશાઓનું ફલવાનપણું કદીયેય નથી.
સમ્યગ્દષ્ટિ સાધકને બાહ્ય સુધારણા કે બાહ્ય સુવ્યવસ્થા સાધવાનો ખાસ રસ નથી. એ તો અંતરંગની શુદ્ધિ અને સંવાદધારા તલસે છે. અંતરંગમાં સંશુદ્ધિ અને સુવ્યવસ્થા આણવામાં એ એવા વ્યસ્ત છે કે બાહ્ય બાજુ લક્ષ દેવા એમને અવકાશ જ નથી.
અંતર્લક્ષ સુપેઠે સાધવું હોય તો અનિવાર્યતઃ બહિર્લક્ષ ભૂલવું જ પડે છે. આ નિયમ છે કે - બાહ્ય જગતને સંભાળવું હોય તો આંતરજગતની ઉપેક્ષા કરવી પડે અને જો આંતરજગત સંભાળવું હોય તો બાહ્યજગતની ઉપેક્ષા કરવી પડે.