________________
૨૨૭.
સાધનાપથ અને આત્મજ્ઞાન
સહેજે કાંઈ જોવાય જણાય જતું હોય તો એનો બાધ નથી. એથી જ્ઞાનમાં જે પણ છબી ઉઠે એને રોકવા કે અવરોધવા પ્રયત્ન કરવાનો નથી. પણ જોયુ છતાં અણદેખ્યું અને સાંભળ્યું છતાં અણસાંભળ્યું કરવાનું છે. દર્પણ જેમ છબીને સંઘરી ન રાખે એમ પ્રતિપળના ભાવો ભૂલતા જવાના છે.
વાત એકની એક છેઃ- મન જેટલું ખાલી દર્પણ જેવું રહેશે એટલે એમાં આત્માનું પ્રતિબિંબ ઉઠવાનો અવકાશ થશે. જે પળે, જે પણ ભાવ ઉઠે એની છબી પકડી રાખવા યત્ન ન કરો. દર્પણ જેમ સારૂનરસું એવી એવી ખતવણી કરતું નથી તેમ તમેય કોઈ ખતવણી ન કરો.
કોઈ ભાવને પકડી રાખવા પ્રયત્નશીલ ન થાવ... પળે પળે જે નતનવા ભાવ ઉઠે તે ઉઠવા દો ને આપમેળે જ એને શમવા દો... તમે અનુરાગથી કોઈ ભાવને પકડી રાખવા લાલાયત ન બનો – તો તમે અપૂર્વ માનસિક સમાધિ-સ્થિરતા-પ્રસન્નતા પામી શકશો.
દ્રશ્ય માત્ર ઉપરથી દ્રષ્ટિ ઉઠી જવી જોઈએ – તો જ અદ્રશ્યને ખોજવા દ્રષ્ટિ કાર્યરત બની શકે. દ્રશ્ય પદાર્થ પર જ જો દ્રષ્ટિ વ્યસ્ત કે વિમોહીત થઈ જાય તો એ અદ્રશ્યને પામવા અંતર્મુખ ક્યાંથી જ થઈ શકે ? દ્રશ્ય માત્ર ઉપરથી દ્રષ્ટિ ઉદાસ થઈ જવી ઘટે.
DO આત્મા સંવેદનગમ્ય પદાર્થ છે... ચામડાના ચક્ષુથી ભાળી ન શકાય એવો એ “અરૂપી પદાર્થ છે... એને દેહિક ચક્ષુથી જોવા તલસનાર ભૂલમાં છે... આત્મા અંગેના તમામ અનુમાનો, ખ્યાલો વિસારી જઈ; પરમ અંતર્મુખ અને અંતર્લીન થઈ એને ગ્રહવા પ્રયત્ન કરવો ઘટે.
આત્મા કળાયા-ભળાયા પછી, એમાં ઠરવાનું તલ્લીન થવાનું સુગમ બની રહે છે. જો જીવ ઠરી જવા માંગતો હોય તો કરવાનું એ અજોડમાં અજોડ સ્થાન છે. એમાં જેમ જેમ ઠરાય એમ એમ જ્ઞાન, આનંદ આદિ અનંતગુણોની અહર્નિશ વૃદ્ધિ થાય છે.
આત્મલીનતા લાધ્યા પછી જગત આખું અર્થહીન - ચેષ્ટાઓમાં જ પરિવ્યસ્ત થયેલું લાગે છે. મોટા રાષ્ટ્રપતિથી માંડી તમામ જીવો વ્યર્થના ઉધમાતમાં હોમાએલા લાગે છે. આવો અપ્રતિમ આનંદ સૂકીને જગત કેવા કેવા ભ્રામક રાહે ભટકી ગએલ છે એ દેખાય છે.