________________
૨૪૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
આત્મજ્ઞાનીના પરમ ઉજાસમયી ચેતનાજગતને બહુ ઓછા પિછાણી શકે છે. એની આસપાસના સ્વજનો-સ્નેહીઓ કે સમાગમમાં આવનારામાંના પણ એની પરમભવ્ય મનોદશાને ખાસ પિછાણી શકતા નથી. કળી શકે તો તો નિજે કલ્યાણ થઈ જાય.
જીવ કેટલીક જીંદગી હસવામાં વિતાવે છે – તો કેટલીક જીંદગી રોવામાં વિતાવે છે. પણ હર્ષ-શોકથી પર એવી ઉપશમભાવસભર ઉમદા જીંદગીને એણે ન તો કદીય જાણી છે કે ન તો કદીય માણી છે. – અન્યથા જીવનની રસમ જ સમૂળગી બદલાય જાય.
વયની વૃદ્ધિ સાથે અનુભવજ્ઞાનની પણ અભિવૃદ્ધિ ખૂબખૂબ થવી ઘટે. જવાની ગુમાવી દીધાનો પરિતાપ થાય છે પણ આરાધનાનો ખરેખરો સુવર્ણકાળ ગુમાવી દીધો એનો પરિતાપ થતો નથી ! બુદ્ધિ મંદ પડ્યાનો પરિતાપ છે પણ વિવેક મંદ પડ્યાનો પરિતાપ નથી !
ચેતનાનું ઘણું ઉધ્વરોહણ પામ્યા પછી પણ પડી જવાનું કારણ કુતૂહલ છે. સ્વાનુભવમાં તો અપાર સુખ છે – પણ, વિષયોમાં પણ થોડું સુખે તો હશે ને ? એવા કુતૂહલવશ પરમબ્રહ્મની મસ્તિ ચૂકી જવાય છે. વિષયસુખનું કુતૂહલ બિલકુલ ભૂલી જવા જેવું છે.
દુઃખ જ્યારે ઘેરું બને છે ત્યારે પ્રાય: ચેતનાની પણ એવી ઊંડી ગહેરાઈને સ્પર્શી શકવાની ક્ષમતા પેદા થાય છે. સંપૂર્ણ સ્વીકારભાવે દુઃખ સંવેદાય તો ત્યારે ચેતનાની પણ એવી જ ગહેરાઈનો અનુભવ લાધી શકે છે. વાત છે... પ્રેમ-સંપૂર્ણ સ્વીકારવાની.
ચાહે તેવા ભીષણ-ભયાનક દુઃખનો પણ તમે કરેલ હયે– પરિપૂર્ણ પ્રસન્નતાથી – સ્વીકાર કરી લ્યો અને તે વેળાએ પણ અંત:કરણની સમતામયી સ્થિતિ બનાવી રહો તો દુઃખ પણ દુઃખદ નહીં રહે – સુખદ પણ બની જઈ શકે છે.
કોઈ અનુચિત પ્રવૃત્તિ મનને ખૂબ જ રુચિકર લાગતી હોય તો એ પ્રવૃત્તિ ત્યાગવા પર પ્રથમ જોર ન મારતા; એનો રસ ક્ષીણ કરવા યા ઘટાડવા પ્રયત્ન કરવો ઘટે છે. સમ્યફ-વિચારણા દ્વારા સહજ વિવેક પ્રગટે છે ને વિવેકથી રસ મોળો પડવા મંડે છે. પછી સહજ જ ત્યાગ સંભવે છે.