________________
૨૨૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
તત્સમયે ચિત્ત સંપૂર્ણ નિર્વિષયી ન થઈ રહે તો સ્વરૂપધ્યાન કહેવાતું નથી. ચિત્તમાં કોઈ વિષયનું સ્મરણ જ ન રહે એવું નિર્વિષયી થઈ એમાં કેવળ અસ્તિત્વની છબી ઉપસી રહે એનું નામ જ આત્મધ્યાન છે – જે પરમ અવગાઢ થયે મુક્તિનો આનંદ અનુભવાય છે.
સાધનાના પ્રભાવે ગમે તેવી આત્મખુમારી કે આત્મમતિ પ્રગટી આવે તો પણ એ અંગે કોઈને કહેવાની ઉત્કંઠા સાધકને મુદ્દલ થતી નથી. બસ પોતે એકલો એકલો અનહદ મસ્તી માણી રહે છે. – કોઈને એ અંગે કાંઈ કહેવા-કારવવાનું કાંઈ પ્રયોજન નથી.
સાચા સ્વાનુભૂતિ પામનારા સાધકની આત્મતૃપ્તિ’ કેવી અપ્રતિમકોટીની હોય છે એનો જગતને કોઈ પરિચય નથી. પરપદાર્થ પ્રતિ સહેજે જ સાધકનું મન લલચાતું-લોભાતું નથી. એનું કારણ અંદરમાંથી ઉઠતી અંતહીન સંતોષની સરવાણીઓ જ છે.
જીવનમાં ખરેખર ખૂટે છે કાંઈક જુદું જ – અને – માનવી કમી મહેસુસ કરે છે કંઈક જુદાની. વિશ્વમથી એ માને છે કે કોઈ ભૌતિક કમી-ખામીને લઈને હું પરેશાન છું. આ વિભ્રમ એવો ગોઝારો છે કે જીવને સાચી ઉપલબ્ધિ કરવા યોગ્ય ઉપાસનામાં આવવા દેતો નથી.
દિપ પેટાવો તો તિમિર આપોઆપ હટી જાય...સમજણનો દિપ પ્રગટે તો, અણસમજણના કારણે જ ઊભા થતાં અગણિત દોષો અને દુઃખ-દર્દો આપોઆપ દૂર થઈ રહે. કેળવાયેલી સમજણ એ તો માત્ર આ જન્મનું જ નહીં પણ ભાવી અનંતયાત્રાનું પાથેય છે.
ભાઈ?સમજણને સવળી કરવા સિવાય સિદ્ધિ પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી એમ નિ:શંક જાણજો. સમજણ અવળી છે એથી જ અગણિત બીજા દોષો પણ ઊભા છે. ખરૂં માનો તો – અવળી સમજણથી જ સર્વ અવનતિ છે ને સવળી સમજણથી જ સર્વ ઉન્નતિ.
કફકરૂનો બહું લગવાડ સારો નથી. વરસોથી એવા લગવાડ છતાં આત્માનું આત્મગત રીતે કર્તવ્ય શું છે એ ખોજીને, આપણે હવામાં સ્થાપિત કરી શક્યા નથી. ઘડીક આ કરીયે, ઘડીક પેલું – હજારો કર્તવ્ય કરવા છતાં પરમકર્તવ્ય શું એ ખોજી શકતા નથી.