________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૩૦
આત્મિય તૃપ્તિધારા ન પામેલા હોય એ અલબત નિંદાપાત્ર નહીં પરંતુ, કરુણાપાત્ર જ છે. પણ એવી તૃપ્તિધારાની સરવાણી સવેદાણી ન હોય અને એ ઉપદેશક બની જગતને ય મોક્ષમાર્ગ બતાવવા બૂમરાણ મચાવે તો તો નિંદાપાત્ર જ ને?
અંદરમાં તૃષ્ણાના ભોરીંગ સળવળતા હોય ને બહારથી બૂમો પાડી પાડી જગતને જિનમાર્ગ દર્શાવવા ચાલી નીકળે એના જેવો આત્મવંચક ને દંભી બીજો કોઈ નથી. આવા દંભી દ્વારા જગતનું જેટલું અહિત થયું છે એટલું અધર્મી દ્વારા પણ થયું નથી.
દંભી રાહબરોના દર્શાવ્યા રવાડે ચઢી ચઢીને ધર્મજગત એટલું બધુ ભટકી ગયું છે કે એ જોઈ જ્ઞાની આખા ને આખા દ્રવી જાય છે. દંભી રાહબરોએ મુક્તિ દુર્ગમ્ય અને અત્યંત દુર્લભ બનાવી દીધી છે ને ઉલ્ટા બંધન ઉભા કર્યા છે, પાર વિનાના.
હે જીવ! જો તું દંભ ન જ મૂકે તો અમે તને વિનવીએ છીએ કે તું ધર્મક્ષેત્રને મૂકી દેજે. એથી તને ઘણું ઓછું નુકશાન થશે. દિલમાં દંભ ધરીને દેખાડો કરવા ધર્મ કરવો એ કરતાં ઘણુ બહેતર છે કે સરળપણે નાસ્તિકમાં ખપીને જીવવું...
આત્મોન્નતિના પાવનપંથમાં મોટામાં મોટી બાધા કરનાર હોય તો તે દંભ જ છે. એની તુલનામાં બીજા બધા દુષણો અલ્પ હાનીકર છે. આત્મોન્નતિ તો એથી સધાતી નથી પણ, આત્માની બેહદ અવનતિ થાય છે. - માટે પહેલો ત્યાગ દંભનો: બીજા ત્યાગો એ પછી...
દેખાડા ખાતર બીજું કશું કરવું હોય તો તમે જાણો – પણ, દેખાડા ખાતર ધર્મ કદીયેય ન કરજો. નિર્ભિકપણે જગતને કહેજો કે હું હજું સાચો ધર્મી નથી...મને રંગરાગ રૂચે છે...હજું વિશુદ્ધ ધ્યાન હું ધ્યાવી શકતો નથી...આત્મમસ્તી મારામાં ઉગી નથી, ઇત્યાદિ.
અહાહા! સરળપણે પોતાનો ધર્મી ન હોવાનો એકરાર એ ખરી ધર્મચિની નિશાની છે, બહુ સુપાત્ર આત્મા જ એવો એકરાર કરી શકે છે. પોતે હજું વાસ્તવાર્થમાં ધર્મી નથી એવું મનથી માનવા પણ કાયર જીવો સમર્થ નથી. – ખરા ધર્મવીર જ એવું માની શકે છે.