________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૫૨.
વીતરાગી શાંતિ એ કઈ અણમોલ ચીજ છે. એની જીવને કોઈ ગતાગમ નથી. અંતરની ગહેરી પ્રશાંતી એણે કદી અનુભવી નથી. ધર્મના નામે બીજી ધાંધલ-ધમાલ અપરંપાર કરી છે. પણ સ્વભાવમાં ઠરવાનું મૂળભૂત કાર્ય જ એ સૂકી ગયેલ છે.
ધ્યાનને નામે ય જીવે ઢોંગ પાર વિનાના કર્યા...એણે ધ્યાન કર્યું છે વિભાવોનું...ધ્યાન કર્યું છે કષાયોનું...ધ્યાન કર્યું છે વિષયોનું...આત્મધ્યાન શું વસ્તુ છે એની ગવેષણા પણ કદી કરી નથી ? જીવ... માફ કરજે...એ કાંઈ ધ્યાન નથી. ધતિંગ છે ભટકવાના.
જીવનના બીજા તમામ રસો ઉપેક્ષીને એકમાત્ર પરમાત્મરસ પીતો રહે તે ધ્યાની છે. ધ્યાનીનર અસ્તિત્વ સાથે ઓતપ્રોત થયેલો છે. અસ્તિત્વ સાથે એકરૂપ બની; સત્-ચિત્આનંદની અમ્મલિત સરવાણીઓ પીવે તે ધ્યાની છે.
ધ્યાનીનરને કોઈ વિકલ્પ નથી. – કારણ, રસ ન હોય કોઈ સ્થળે મનને ઠરવાનું હોતું નથી. મનની ક્યાંય ગતી જ નથી તો વિકલ્પો ઉત્પન્ન થવાનો અવકાશ જ ક્યાં છે ? એ તો પ્રગાઢભાવે પરમાત્મરસ પીવામાં ચકચૂર લીન છે...એનું નામ પરમ અર્થમાં ધ્યાની છે.
જામેલું ધ્યાન એટલે પરમ અવગાઢ આત્મતન્મયતા. જગતનું કે જગતના કોઈ ભાવોનું ત્યાં સ્મરણ પણ નથી. નજરમાં એકમાત્ર આત્મા જ નજરાયા-તરવર્યા કરે છે. આથી દુન્યવી કોઈ પરિબળ એમાં વિક્ષેપ ખલેલ પહોંચાડી શકતું નથી.
ધ્યાનીરને એની મંઝીલ મળી ચૂકી છે. મુક્તિસુખની એને પ્રગટ પિછાણ છે. રસ પોતે આસ્વાદ્યો છે. આથી પોતાની મુક્તિ થશે કે નહીં એવી એને લગીર શંકા નથી. બહુ અલ્પકાળમાં એ પરમ મુક્ત થઈ જવાના છે...અનંત વંદન હો એમના ચરણોમાં...
નીવડેલા આત્મધ્યાનીનરને ઓળખવા સહેલા છે. એમનામાં કોઈ પ્રકારની ચંચળતા નથી હોતી. કોઈ પ્રકારની ઉત્તેજના નથી હોતી. ઉત્સુકતા નથી હોતી. અકારણ પંચાત કરવાની લગીર વૃત્તિ નથી હોતી...એ તો અંદરમાં ઠરીને જામ થયેલા હોય છે.