________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૨૨
જ્ઞાનીઓ સાફસાફ કહે છે કે, જીવ કોઈના કારણે નહીં – કિન્તુ, પોતાની જ ભૂલોથી ભીષણ દુઃખી થાય છે.ભટકે છે.ભટકતો રહેવાનો છે. પોતાની પાયાની ભૂલને પિછાણી પરિશોધીને નિર્દોષમૂર્તિ ન બને ત્યાંસુધી એ સુખ-શાંતિ-ઉત્થાન પામી શકનાર નથી.
સમસ્યાઓની અજગરચૂડ વડે ઘેરાયેલો માનવ મુક્તિનો આસ્વાદ લેશ પણ માણી શકતો નથી. એ આસ્વાદ કેવો સુરમ્ય હોય એની પણ માનવને ગમ નથી. તો એ આનંદની અદમ્ય ઝંખના એનામાં પ્રજ્જવળે પણ ક્યાંથી ? ગંભીર કોયડો છે આ.
એક પોપટની વાત સાંભળેલી. એનો માલિક પીંજરું ખુલ્લું જ મૂકી રાખતો. પોપટ પણ બહાર ઊડી પાછો આપમેળે આવી જતો : વિરાટ વનવિહારની મસ્તી પણ એ ભૂલી ચૂકેલો અને પાંજરામાં મળતા ફલાદિ એ જ જીવનનો આધાર છે એમ માનતો...!!
પોતાનો આશય જ જ્યાં સુધી સ્પષ્ટ નથી કે પોતે ખરેખર મુક્તાનંદ માણવા માંગે છે કે મોહાનંદ – ત્યાં સુધી સમ્યગુ સાધનાનો ઉદ્ગમ જ સંભવ નથી. જીવે આશયશુદ્ધિ તો સર્વપ્રથમ કરી એ મુજબ જ સાધના કરવી ઘટે. સાધનાનો પ્રાણ છે. આશય તો.
જ્ઞાન જ પરમસુખરૂપ પદાર્થ હોવા છતાં...જ્ઞાનની જ મસ્તિ અનુભવવાના બદલે સાધક કોઈ બીજા પદાર્થની અપેક્ષા ધરે તો એ જ્ઞાનસુખને સમજ્યો જ નથી. અંતરમાં એમ થવું જોઈએ કે, હું જ્ઞાનાનંદ સ્વભાવી છું' – જ્ઞાનાનંદ સિવાય મને બીજી કોઈ સ્પૃહા નથી.
પ્રત્યેક પ્રબુદ્ધ પુરુષોએ પણ એના આજપર્યંતના જન્મોમાં આપણી માફક જ પારાવાર પાગલપન પરિસેવેલ હોય છે. અનુભવની કેટકેટલીય ચોંટ અનુભવીને જ એમનામાં બુદ્ધત્વ પાંગર્યું હોય છે. – શું આપણે હજુય ચોંટ જ અનુભવશું કે હવે ચેતીશું ?
જેને સતસ્વરૂપનો સઘન પરિચય થયો છે એને જૂઠ લગીર પણ ગોઠતું નથી. સત્સુખનો આસ્વાદ લાધી ચૂકયા પછી વિષયસુખનું ભૂતકાલીન ભવ્ય મહાત્ય ઓસરી જાય છે. વિષયોના આભાસી અને કટુવિપાકી સુખ એને કાળજે ખાસ સુહાતા નથી.