________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૦૦
બહુ અલ્પકાળમાં નિર્વાણ પામવાનું જેનું હોનહાર છે એવા અનંતરૂડા નસીબવાન કોઈક વિરલા જ અનંત અનંત ગહેરી આત્મમસ્તીનો અનુભવ પામી શકે છે. – પણ હાથને પહોળા કરીને સમુદ્રનું માપ કેટલું દર્શાવી શકાય ? આથી જ અનંતા સંતો મૌનમાં ડૂબી ગયા.
અનુભવીજનો તમામ પોકાર કરી કરીને કહે છે કે હે ભવ્ય જીવો ! તમે માત્ર એક જ વાર ગહેરાઈથી આત્માનુભૂતિ કરો...એના જ અર્થે તડપી રહો...અરે, રોઈ રોઈને નયન ગુમાવવા પડે એટલી વિરહવ્યથા અનુભવો તો પણ ઓછું છે. કોને આ સમજાય ? ભલું હોનહાર હોય એને જ.
થાય છે કે, ભોગ અને યોગ ઉભયથી ભ્રષ્ટ થયેલા જીવો માટે કંઈક લખું...એમની સ્થિતિ કેવી અભાગી છે ? જીવનમાં રસ નથી ને જીવનમુક્તિનો આસ્વાદ નથી. ખરે જ દુસહ્ય વિરહવ્યથા પ્રજ્જવળ્યા વિના આ દુર્નિવારદશા સુધરે એવી નથી.
આત્માનુભવનો અભાવ સાલે – અસહ્ય રીતે સાલે...ધૂપની માફક જીવ પ્રતિક્ષણ જલ્યા કરે...કોઈ વાતેય ચેન પડે નહીં... અંતઃકરણ આ પુકારતું હોય..એવી ઉન્મત જેવી બેબાકળી દશા બની જાય તો યોગ ખચીત ઘટીત થાય...જીવ સાચો યોગી બની જાય.
જેને ખરેખર ખપ છે અને જેનું ખરેખરૂં તપ છે...વિરહના મીઠા તાપમાં જે ખરેખર ખૂબ શેકાય છે: એવા સાધકને એનું અભીષ્ટ આપવા કુદરત કરારબદ્ધ છે. આત્માનું ઊંડું દર્દ જાગે તો અભીષ્ટપૂર્તિ ન થાય એમ ત્રણકાળમાં બને નહીં.
જીવને જીવ મટી શીવ થવાનો કેવો ખપ છે – ઉપરછલ્લો કે અતળ ઊંડો – એના ઉપર કુદરતની મહેરનો મદાર છે... કુદરત સાધકની કપરી કસોટી પણ કરે છે કે એની વેદનામાં સચ્ચાઈ કેવી છે...પિપાસાના પ્રમાણમાં પારિતોષિક પ્રકૃતિ આપે છે.
વાત એકની એક છેઃ અનુભવના અભાવની વ્યથામાં આખા ને આખા ડૂબી જવાની. પ્રેમીને એના પાત્રનો વિરહ જેવો સતાવે એવો જ સાધકને સ્વરૂપનો વિરહ સતાવે. આ વિરહવ્યથામાં પણ માનો તો જે વેદનામાધુર્ય છે એ અદ્વિતિયકક્ષાનું છે.