________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૦૬
જગતના સામાન્ય જીવો પ્રાયઃ જેટલા શુદ્ર અને છીછરાં હોય છે એટલા જ આત્મસાધક જીવો પણ અંત:કરણથી ઉદાર અને ગંભીર આશયવાન હોય છે. સાચા આત્મસાધક તે જ છે કે સુદ્રચર્યાઓમાં જેની લગીર રુચિ નથી ને વિરાટ સ્વકાર્યમાં જ જેની અપાર રુચિ છે.
કોઈપણ રીતેય...સાધકને જો એકવેળા આત્મિક સુખનો કે ગાઢ સમતાસુખનો આસ્વાદ માણવા મળી જાય તો દુન્યવી સુખો ઉપરથી એની દૃષ્ટિ પાછી વળી શકે. આત્મસુખની તુલનામાં બીજા સુખો કેવા હીન અને અનર્થકર જ છે એ સમજાય.
જીવે આત્મિકસુખની ભાળ-સંભાળ કરતા શીખવાડી આપે એવા પરમગુરુ તો ખોળવા જ પડશે. એવા ગુરુ કે જે આત્મિકસુખની પરમ અવગાઢમસ્તી અનુભવતા હોય. એ ખોજ વિના દુન્યવી સુખો ઉપર જડાય ગયેલી જીવની દષ્ટિ ઉખડી શકવાની નથી.
અહાહા..! સાચા આત્મલીને ગુરુ કેવા અમલીન પ્રેમવાન હોય છે ? જીવમાત્રને એ પોતાના આત્મિય સ્વજનતુલ્ય માને છે. જીવમાત્રને એ પ્રભુસ્વરૂપ પિછાણે છે. એમનું પાવન સાનિધ્ય કેવી અનિર્વચનીય આત્મિયતાથી ભરપૂર હોય છે.
આ જગતમાં ભટકતા જીવને કોઈ આત્મિય સંગાથ મળ્યો નથી. બધાં બીચારા મતલબના સંગાથી છે. કોઈનો આત્મા જ જાગૃત નથી ત્યાં એવી શુદ્ધ આત્મિયતા લાવે ક્યાંથી ? એકમાત્ર આત્મજ્ઞાની જ જીવને પ્રગાઢ આત્મિયતા મહેસુસ કરાવી શકે છે.
સદ્ગુરુ તો અનંત પ્રેમના અખૂટ ભંડાર છે...પણ જીવની એવી સુપાત્રતા હોય તો જ એ ઓળખીપારખી શકે છે. બાકી, વરસોના વરસોથી સદ્ગુરુની સમીપ વસનારાય ગહનપ્રેમનો એવો અનુભવ પામતા નથી. પાત્ર જેવડું હોય એટલું જ પામી શકાય છે.
અહહા! ગહન, અનંતગહન પ્રેમના ભંડાર જેવા ઉત્તમપુરુષનેય જે વ્યક્તિ બિલકુલ પાસે રહેવા છતાંય બિલકુલ પિછાણી જ નથી શકતી એ ધરાર અપાત્ર જીવ જ છે, એમાં કોઈ બેમત નથી. જીવનું હોનહાર જ એવું...!!