________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૧૮
કમ સે કમ સાધના પ્રત્યે કે કોઈ સાધક પ્રત્યે તો નફરતનો ભાવ – અરુચિનો ભાવ – અણગમાનો ભાવ ઉત્પન્ન ન જ થવો ઘટે. ખરે તો કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમાદિ ભાવ ન ઊપજવા જોઈએ. અહિત કરવા મથનાર વ્યક્તિ પ્રતિ પણ સમભાવ હોવો ઘટે.
પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય એવી પરિસ્થિતિ હોય તો ચિત્તપ્રસન્નતા જળવાય રહે એવો કોઈ નિયમ નથી. દૂધ માંગો ને પાણી ય ન મળે તો ચિત્તપ્રસન્નતા ખોરવાય જાય એવો પણ નિયમ નથી. ચિત્તપ્રસન્નતા જીવની સમજણ અને સમતા જેવી ખીલી હોય એ ઉપર છે.
જીવન વેદના-સંવેદનાઓનું ધામ છે. સારી-નરસી અગણિત વેદનાઓના તાણાવાણાથી જીવન ગંઠાએલું હોય છે. જો કે વેદના કોઈ સારી કે માઠી કહેવી એ ખોટું છે. વેદના તો વેદના છે. એને આપણે મનોમન કેવી રીતે મૂલવીએ છીએ – કે - મૂલવતા નથી એ ઉપર બધો મદાર રહેલો છે.
જ્ઞાનીઓ અમાપ કરૂણાથી કહે છે કે તમે મારૂં ઈ સારૂં એવો તંત મૂકી દો - અને “જે સારું હોય એ મારૂં' એવો ઉમદાભાવ રાખો – ઘણાં વિખવાદ-વિવાદ એથી ખતમ થઈ જશે. પણ...જીવ કહે. અમને તો અમારું જ સારું લાગે છે. બીજું સારૂં જણાતું જ નથી તો એ મારું કરવાની વાત ક્યાં ?
જ્ઞાનીઓ કહે છે શાસ્ત્રજ્ઞાન અને ચિંતન મોટાભાગે વિવાદ અને સતાવેશનું કારણ બને છે. એમાંથી હું સાચો ને તું ખોટો એવી ખેંચાતાણી ને કલહ જન્મે છે. જ્ઞાન તો નિરાગ્રહીતા અર્થે છે – કોઈ ઉપર આગ્રહ કે આક્રમણ જમાવવા અર્થે નથી – સહજભાવે કોઈ સમજવા માંગે તો ઠીક છે – પણ !!!
પુસ્તકમાં આવે છે કે ગુલાબજાંબુ મીઠા – તો વાંચવા માત્રથી કે જાણવા માત્રથી આસ્વાદ મળી જાય ખરો ? પુસ્તકમાં આત્માનુભવની અનંતમધુરતાની અગણિત વાતો આવે પણ જીવ આત્માઓળખ પામવા ય પ્રયત્નશીલ ન બને તો આત્મસ્થિરતા સાધી એ પરમ સુખને ક્યાંથી પામે?
અહાહા ! ઓ જીવે માત્ર આ જીવનમાં જ જેટલું અમાપ જ્ઞાન સંપાદન કર્યું એનો હજારમો ભાગ જ્ઞાન પણ આચારાન્વિત કર્યું હોત, – પ્રયોગમાં લીધું હોત – તો જીવના જીવન આખાનું રૂપાંતરણ થઈ ગયું હોત – જીવન પરમતીર્થસ્વરૂપ બની ગયું હોત.