________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૯૮
અહંકાર પછી પ્રેમનો ઘાતક કોઈ હોય તો તે આગ્રહ છે. વ્યર્થની ખેંચાતાણી ઉભય હૃદયમાંથી સ્વાભાવિક પ્રેમનો લોપ કરી નાખે છે. આવી ખેંચાતાણી એ કેવળ હૃદયની જડતા સૂચવે છે. એવી ખોટી ખેંચાતાણો કરી, માનવ ખાનાખરાબી સિવાય કાંઈ પામતો નથી. આગ્રહ પ્રેમનો ધ્વંસક છે.
નાનીનાની વાતોમાં પણ ‘હું સાચો ને તું ખોટો’ – કર્યા કરવાથી ઉભય હૈયાનો સદ્દભાવ નષ્ટ થઈ જાય છે. આક્રમક થઈને કક્કો ખરો કરાવવા જતાં પ્રિતની હાણ બોલી જાય છે. પરસ્પર પ્રેમ જાળવવા ચાહતા હોઈએ તો નિરાગ્રહી વલણ અવશ્ય રાખવું રહ્યું.
સામાને બાંધ્યા-બંધાયેલા ખ્યાલ મુજબ જ જોયા કરવાથી અણગમાની પરંપરા ચાલુ જ રહે છે. તમે જેવી દષ્ટિથી સામી વ્યક્તિને જોવો છો – એ અનુસાર તમે એની સાથે જાણ્યું કે અજાણ્યે એવા જ વાણી-વર્તાવ કરી બેસો છો. પૂર્વગ્રહથી કોઈને જોવું એ પાપ છે. બહુ મહત્વપૂર્ણ વાત છે આ.
વરસોથી સાથે રહેવા છતાં ઉભય હૈયા એકબીજાની ગહન-સંવેદના ન સમજી શકે એ શું સૂચવે છે ? માનવી આટલો હયાસુનો કેમ બની ગયેલ છે ? ખોટા તર્કવિતર્કો અને ખોટા તરંગો, હૃદયની માસુમ સંવેદના નષ્ટ કરી ‘અલગાવ પેદા કરે છે.
ભાઈ? સાચો પ્રેમાળ કોઈ સાથી-સંગાથી ન મળેલ હોય તો પ્રેમનો કૃત્રિમ દેખાડો તો રખેય કરીશ નહીં. – એથી તો તારો આત્મા ગૌરવહીન થશે. ભાઈ...પ્રેમ દેખાડવો પડે એ વાત જ ઘણી વિચિત્ર છે...રે...આજની મોટાભાગની દુનિયા આવો દેખાડો કરી ફાયદો માને છે !
અમને ખૂબ ખટકે છે એ વાત તો એ છે કે વિમલ પ્રેમ જેવી કોઈ વસ્તુ જ વિશ્વમાં રહેવા પામી નથી. પ્રેમ એટલે જ મલીનભાવ, એવી ધારણા સર્વત્ર છે. નિર્વિકારીતા પૂર્વકનો પ્રેમ ગુરૂ-શિષ્ય મધ્યેય જોવા નથી મળતો ત્યાં...!
સાચા સદ્ગુરુ તો વિમળ પ્રેમનો અખૂટ ભંડાર હોય છે – પણ સામાનું પાત્ર ખૂબ જ સીમિત હોય ત્યાં કોઈ ઉપાય નથી. પ્રેમનો અખૂટ ભંડાર જેવા સત્યરુષો માત્ર એ જ ખેદ વારંવાર અનુભવે છે. પણ આખરે એ આત્મપ્રેમમાં જ એકતાન થઈ જાય છે.