________________
૧૯૭
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભૂતકાળ જેવો ગયો તેવો... એમાંથી બોધપાઠ લઈ લેવા સિવાય એને બહુ યાદ કરવા જેવો નથી. ભાવીકાળની ચિંતા અલબત સારી છે – પરંતુ – જો વર્તમાન સંનિષ્ઠપણે સુધારી શકાશે તો ભાવી કાળ આપોઆપ જ સુધરી રહેવાનો છે, એ હકીકત છે.
હે સાધક ! તારો આત્મા ખરે જ ખૂબ ભવ્ય અને રડો છે..કાશ, વાત એમ બની છે કે તું બીજું બધુ લક્ષમાં લેવા જતાં તારા ભવ્ય આત્માને વિસરી ગયો છે. તારી ગુણગરિમા તને જે સ્મૃતિગોચર રહી નથી. ભાઈ ! તું પુનઃ આત્મભાન જગાવે...
ભાઈ ! સત્ય તો ખૂબ નિરાળી વસ્તુ છે... જગતમાં ગાજતા પડઘમોમાં સત્યનો પુરો અણસાર પણ નથી. સત્ય તો અનંતમાધુર્યથી છલકતી વસ્તુ છે. જગત બાજુથી મુખ ફેરવી તું જાત તરફ સુપેઠે નજર કરીશ તો એ વસ્તુની ભાળ તને મળશે.
ભાઈ.! બધું જ પડતું મેલીને.. તું તારા અનંતરમ્ય આત્માને પીછાણ. ખોવાયેલું આત્મ સ્મરણ પુનઃ પ્રગટાવ...ખરે જ અનંતમહિમામંડિત છે તારો આત્મા...તું શુધબુધ વિસરી ચૂકેલ છો એટલે અન્યનો મહિમા કરે છો પણ આત્માનો મહિમા સંભારતો નથી.
હે ભવ્ય આત્મા...! વિસરાએલું આત્મભાન જો તું જગાવી જાણીશ તો તારી ચાલચલગતમાં ધીમે ધીમે એવું આત્મગૌરવ પ્રગટશે કે વિશ્વવિજેતા સમ્રાટની પણ એવી આત્મખુમારી નહીં હોય. બસ, એકમાત્ર આત્મસ્મરણ જ સુપેઠે જગાવવાની આવશ્યકતા છે.
ક્યારેક ક્યારેક એકલો નયણેથી ઊના નીર વહાવી લઉં છું. થાય છે. વિમળપ્રેમ જેવો પરમ શ્રેષ્ઠ પદાર્થ જ આજનો માનવી કેટલી હદે વિસારી બેઠેલ છે ? અ-મલીન પ્રેમ જેવી કોઈ વસ્તુ જ જાણે આજના વિશ્વમાં નથી રહી. અબજો માનવામાં કેટલા એ વસ્તુ જાણતા હશે ?
અહંકાર જેવો પ્રેમનો જાલીમ દુશ્મન અમે કોઈ જાણતા નથી. પરસ્પર તદ્દન અહમ્ રહિત વ્યવહાર સંભવે તો જ ખરી પ્રીતિ જામી શકવા અવકાશ રહે. પ્રેમની દુનિયામાં કોઈ નાનો નથી કે કોઈ મોટો નથી. છતાં મોટાઈ દાખવવા જાય એ માર જ ખાય છે.'