________________
૧૭૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
મનની હઠ છે કે મારે ઇન્દ્રિય માર્ગે જ સુખ મેળવવું છે. અતીન્દ્રિય સુખ લબ્ધ કરવા યત્ન જ કરવો નથી. આ મનની કેવી બાલિશતા છે ? બાળકને જેમ જે વસ્તુ જોવે તે જ વસ્તુ જોવે – બીજી સારી વસ્તુ પણ ન જોઈએ – એવું મનનું પણ છે.
માણસ વૃદ્ધ થાય તો એને વૃદ્ધત્વના ધર્મો નભાવવાના છે. એણે ધર્મ પ્રતિ વળી જઈ ઉમદા આત્મહિત સાધવાનું છે. તત્ત્વવિચારણા કરી મનને સમાધિસ્થ બનાવવાનું છે – જુવાનીના રંગરાગો સંભારવા માટે વૃદ્ધત્વનો અવસર નથી.
જે મન ભૂતકાળમાં જ ભમતું રહે છે. એ મન વર્તમાન જીવનની સમાધિનો રસાસ્વાદ લઈ શકતું નથી. વર્તમાનમાં જે ઉપલબ્ધ છે એના પ્રતિ એની નજર ઠરી જ નથી. સુખ તો વર્તમાન ક્ષણમાં ભરપૂર હાજર છે. ભૂતકાળમાં જ ભાય તો એ ક્યાંથી પામી શકાય ?
ધીમેધીમે પણ મન જો પરિપક્વ થતું જાય – ઘડાતું જાય – સુખ-શાંતિ વિશેના એના દૃષ્ટિકોણ પલટાતા થાય, તો નુત્તન જીવનશૈલી અપનાવી એ સાચા સુખની ખોજ તરફ વળી જાય – તો એને અતીતમાં ભમવાનું કોઈ કારણ ન રહે.
પકડ્યું એ છોડે જ નહીંતો જીવ નિયમથી દુઃખી જ રહેવાનો છે. જીવને એના આગ્રહો નડે છે. બાકી અન્ય કોઈ ગ્રહ નડતા નથી. જીવના ઘણાખરાં દુઃખનું કારણ એનો અકારણ પકડી રાખેલો કારમો કદાહ જ છે.
અમુક સ્થિતિ અને અમુક પ્રકારના સંયોગો હોય- અમુક જાતની જ જીવનરસ હોય તો - હું સુખી થઈ શકું – આવી જીવની મિથ્યા ધારણા એને હયાત સુખ ભોગવવા દેતી નથી. જીવની આવી મિથ્યા ધારણાઓ મીટાવવા અચૂક ઉપાય સત્સંગ છે.
જ્ઞાનીઓ સુપેઠે જાણે છે કે, જીવ જો એની પૂર્વનિબદ્ધ મિથ્યા ધારણામાંથી બહાર આવે તો એ ઘણાખરાં...અરે મોટાભાગના, દુઃખોમાંથી ચોક્કસ બહાર આવી જઈ શકે છે. – આથી જ્ઞાની અથાગ પ્રયત્ન જીવની મિથ્યા ધારણાઓ છોડાવવા જ કરે છે.