________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૮૬
જીવને ખરેખર કોનાથી – કેટલી –નિસ્બત છે એ ગવેષવા જેવું છે. આ ગવેષણ સુપેઠે થાય તો ઘણાં લગવાડો છૂટી જાય છે. અને આત્મહિત માટે પર્યાપ્ત અવકાશ મળી રહે છે. વાતેવાતે જીવને થવું જોઈએ કે – “જે હો તે મારે શું નિસ્બત ?”
બરા આત્માર્થી જીવને તો કેવળ આત્મહિતને લગતી વાત સિવાય કોઈ વાતમાં અંતરથી બિલકુલ રસ નથી, એના કુતુહલો તમામ શમી ચૂકેલા હોય છે. કોઈ એવી વાત કરે ને ઉપરટપકે એમાં ભળવું પડે તોય અંતરથી એ નિર્લેપ હોય છે.
જગત તો વિચિત્રતાઓથી જ ભરેલું છે ને સદાકાળ વિચિત્ર જ રહેવાનું છે. આત્માર્થી જીવે જગતની પરવા ન કરતાં, જગતથી સાવ નિરપેક્ષ થઈ જવા જેવું છે. જગતની પાસે એને કોઈ અપેક્ષા નથી – કોઈ સ્પૃહા નથી.
પોતાની આત્મદશા ગમે તેવી ઉચ્ચકક્ષાની હોય તો પણ જગતથી લવલેશ માનની અપેક્ષા ધરવા જેવી નથી. અરે, જગત કદાચ અપમાન પણ આપે તો લગીર ક્ષોભ પામવા જેવું નથી. જીવને આંતરસુખથી નિસ્બત છે – જગતના માનાપમાનથી નહીં.
આંતરવિશુદ્ધિ અને આત્મસ્થિરતા વધતાં જે ગહનાનંદની અનુભૂતિ થાય છે એ પામ્યા પછી સહજ જ બીજી કોઈ કરતાં કોઈ સ્પૃહા રહેવા પામતી નથી. એવા સંતની નિસ્પૃહતા કેવી અલૌકિક હોય છે એ જાણનારા જ જાણે છે.
સ્પૃહા જ ખરે દુઃખનું મૂળ છે. જીવ ખૂબ આકળવિકળ છે. કારણ કે એનામાં પાર વિનાની સ્પૃહાવાંછા પડી છે. સ્પૃહારહિત દશાનું અપૂર્વ સુખ જીવને અનુભવગમ્ય નથી. બાહ્યસ્પૃહાઓની ઉપશાંતિ થાય તો જ અંદરમાં ઠરી, આત્મસુખ સંવેદી શકાય
જીવ સુખના અર્થે સ્પૃહાઓ કરે છે પણ જાણતો નથી કે સ્પૃહા જ દુઃખનું મૂળ છે. એકવાર જો સર્વ સ્પૃહાથી રહિત થઈ જીવ સ્વભાવમાં સુપેઠે ઠરે તો એને સ્વયંભુ સમજાય જાય કે પૃહારહિત ચિત્ત કેવી અલૌકિક શાંતિ-પ્રસન્નતા અનુભવી શકે છે.