________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૮૪
વાસ્તવઃ દર્શન નહીં કરવાના કારણે જીવની ઊંધ ઉડતી નથી. જીવ પોતાના સાચા હિત પ્રત્યે સજાગ થઈ શકતો નથી. જીવને પોતાની બૂરી હાલતનું ભાન પણ નથી. – ત્યાં એમાંથી ઉગરવા એ દઢ સંકલ્યવાન થઈ સક્રિય બને એ ક્યા સંભવ છે ?
થર્મોમીટર ઘણો તાવ બતાવે તો એના પર રોષ કરી એને ફોડી ન નખાય. સારું છે કે એ વાસ્તવઃ સ્થિતિનું હૂબહૂ ભાન કરાવે છે. એમ જીવને એની વાસ્તવઃ દશા બદાવનાર સદ્ગુરુ પર રોષ ન થાય. – એ તો પરમ ઉપકારનું કાર્ય કરે છે.
જીવની હાલત ખરે જ ખતરનાક ગંભીર છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોતા જીવ ઘણો બીમાર અને બેહાલ છે. ચેતે નહીં તો...ખરે જ જીવનું ભાવિ ઘણું કરુણાજનક છે. સદ્ગુરુ વિના જીવને એની સાચી હાલતનું ભાન કોઈ કરાવે એમ નથી.
જીવે ખરે જ કડવામાં કડવું ઓષધ ખાવાની જરૂર છે – જો એનું હિત એ ઈચ્છતો હોય. મીઠાં ભોજનથી તો વ્યાધિ ઘણો વધી ભયાનક થવાનો છે. તે જીવ, થોડો શાણપણમાં આવે અને સદ્દગુરુ પાસે પહોંચી જા – તો ભાવિ મહાન અહિતમાંથી ઊગરી શકીશ.
જ્ઞાનીઓ કહે છે કે અનંતકાળમાં આ જીવે મનસ્વીપણે ચાલીને પોતાનું કલ્પનાતીત અહીત કર્યું છે. વીતરાગના બદલે ખરેખર તો જીવે રાગની જ ઉપાસના કરી છે. કારમા રાગ પોષીને જીવે, સાધી સાધીને કેવલ ભવભ્રમણ જ સાધ્યું છે.
વીતરાગ માર્ગની ઉપાસના કરતાં પહેલા જીવે હયે હાથ મૂકીને પોતાની જાતને પૂછવા જેવું છે કે જીવ. તને રાગીદશા રુચે છે કે વીતરાગતા રુચે છે ? રાગ-દ્વેષમાંથી વિમુક્ત થવું છે કે રાગ-દ્વેષના રસ પોષવા છે ? વીતરાગ થવું છે ખરૂં તારે ?
આજે તો આંધળો આંધળાને દોરે એવી મુક્તિમાર્ગની દશા છે. વીતરાગી શાંતિનો અગાધ પરિચય તો શું પણ અલ્પ પરિચય પણ નથી. પ્રાય સઘળો સમાજ શુભાશુભભાવો વચ્ચે ઝોલાં ખાય છે – શુદ્ધપરિણતિની પરખ પણ વિરલાને હશે.