________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૯૪
કોઈ કહે છે કે આ વિશ્વવ્યવસ્થા નિયમબદ્ધ સુસંવાદી અને પરમન્યાયપૂર્ણ છે. તો કોઈ કહે છે કે વિશ્વમાં ત્રિકાળ અરાજકતા અને ખતરનાક અંધાધુંધી ચાલી રહી છે. જેને અંદરમાં સંવાદ છે એને અખીલ બ્રહ્માંડમાં લયબદ્ધ-સંવાદિતા ભાસે છે.
અંધાધૂંધી તમામ માનવીના અંતરમાં છે. અંદરનો રઘવાયો જીવ બહારમાં પણ બધે અવ્યવસ્થા જ જુએ છે. દષ્ટિ એવી સૃષ્ટિ – એ ખરૂં જ છે. જીવ ! બહારમાં સુધારો કરવાની તજવીજ ત્યજી દે: અને અંદરમાં સંવાદ-સંગતી પેદા કરવા યત્નશીલ થા.
જીવ ! બહાના ઉધામાં બંધ કરીને અંતર સુધારણાનો યત્ન તું કદી નહીં કરે ? શું બહારમાં જ ઘડભાંગો કર્યા કરીશ ? તારું અંતર કેવું અસ્તવ્યસ્ત છે – ડામાડોળ છે – અને તું દુનિયાને સુધારવા કૂદાકૂદ કરે છો ? ક્યો કેફ ચડ્યો છે તને ?
જ્ઞાનીઓ અમાપ કરુણાથી કહે છે કે, પ્રથમમાં પ્રથમ જીવે સઘનભાવે આત્માનું કાર્ય કરવામાં જ ઓતપ્રોત રંગાય જવા જેવું છે. દુનિયાભરના તમામ કાર્યો બાજુ પર મૂકી દઈને એક આત્મોદ્ધારના જ કર્તવ્યમાં એકતાન થઈ જવા જેવું છે.
હે ભવ્યજીવ ! તારે જો મહાન આત્મોદ્ધાર કરવો હોય તો તમામ વિષયો ઉપરથી લક્ષ ઉઠાવી લઈને...એકમાત્ર આત્મલક્ષ જમાવી દેવું ઘટે છે. અંતરમાં ઉતર તો ખરો – પછી તને માલુમ પડશે કે કેટલું અ.ગા..ધ આત્મકાર્ય કરવાનું છે.
સાધકજીવ જો અપ્રમત્ત ન રહે તો – બેહોશીની પળોમાં – ભ્રાંતિ અચૂક વધી જવા પામે છે. જૂના સંસ્કારો જોર મારી જાય છે. અંતજ્ઞન સતત સતેજ રહે તો જ ભ્રાંતિથી ઉગરી શકાય છે. અન્યથા. જીવને ખ્યાલ પણ ન આવે એમ પતન સંભવે છે.
પોતાની ઉચ્ચભૂમિકાથી નીચો ઉતરી જાય ત્યારે જીવને પ્રાયઃ એ ખ્યાલ આવતો નથી. અથવા બહુ મોડેમોડે ખ્યાલ આવે છે. અને ત્યારે પણ પુનઃ એ ઉચ્ચસ્થિતિ પ્રાયઃ ઝટ પામી શકતો નથી. સતત સજાગ-સાવધાન રહેવું એ જ આનો ઉપાય છે.