________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૮૨
પૂર્ણને કોઈનાય સાથ-સંગાથની અપેક્ષા ક્યાંથી હોય ? એને કોઈ કરતાં કોઈ જાતની ઉણપ જ સાલતી નથી. પરિતૃપ્ત છે એ તો જવા દો...શબ્દોથી એની કૃત્યકૃત્ય દશાને વર્ણવી શકાય નહીં. અપ્સરા આવી ઉતરે તોય એ તો એની આત્મમસ્તીમાં ચકચૂર રહે.
આમઆદમી માટે આ સંસારમાં કોઈ દુર્લભમાં દુર્લભ પદાર્થ હોય તો – ધન, વૈભવ, પ્રતિષ્ઠા આદિ કોઈ અતી દુર્લભ નથી – એ પદાર્થ છે દિલોજાન સાથીની પ્રાપ્તિ. એના વિકલ્પમાં ત્રણભુવનનું સામ્રાજ્ય મળે તો પણ કંઈ જ વિસાતમાં નથી.
કહેવાય છે કે મેઘનું સ્વચ્છ જળ પીવા ન મળે તો ચાતકપક્ષી તરસ્યુ મરી જાય છે પણ એ સિવાય બીજું જળ એ પીતું નથી – એમ માનવે નિર્મળ પ્રેમવાન સાથી ન મળે તો સંગાથ વિના રહેવું બહેતર છે. પણ જેને તેને મિત્ર બનાવવા વ્યાજબી નથી.
આ દુનિયામાં જ્ઞાનીઓની કમી નથી: સમજુઓની કમી છે. ખરેખરા સમજુ આત્માની સંગત મળવી એ સ્વર્ગાદિક મેળવવાથી પણ મોટી ઉપલબ્ધિ છે. સમજુ કહેતા અમે કેવા રૂડા જીવની સંગતની વાત કરીએ છીએ એ વિરલ જ કોઈ સમજી શકશે.
ખરેખર, વિવેક-શાણપણભર્યા સમજુ જીવની સંગત મળવી એ ઘણું મોટું સૌભાગ્ય છે. એમાંય પારમાર્થિક વિવેકવંત કલ્યાણમિત્ર મળવો એના જેવું સૌભાગ્ય અન્ય કોઈ નથી. એવો પરમમિત્ર મળે તો જીવનું અનંતકાળનું ભાવદારિદ્ર દૂર થઈ જાય છે.
સજજન સાથીની સંગત પામવા પોતે પણ કેવા પરમોચ્ચકોટીના પાત્ર થવું પડે છે ? પોતે જો એવી પરમ પાત્રતા ન ધરાવતા હોય તો એ સંગત અમિત ફળદાયી બની શકતી નથી. પાત્ર થાય એને કુદરત એવો પરમમિત્ર મેળવી આપે છે.
પવિત્ર આત્માની અંતરતમની પિપાસા પરિપૂર્ણ કરવા કુદરત બંધાયેલી છે. પિપાસા અંતરની ગહેરી હોવી ઘટે. પવિત્ર ભાવનાઓને ન્યાય કરવા નિસર્ગનું સમસ્ત તંત્ર કાર્યરત છે. ભાવના જેટલી પાવનભવ્ય – પરિણામ એટલું અમિતભવ્ય.