________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૭૨
માત્ર સર જ યત્ન કરે એમ નહીં ચાલે...જીવે પણ મિથ્યા ધારણાઓમાંથી બહાર આવવા પ્રખર પુરુષાર્થ કરવો પડશે. વિવેકી અને વિચારવાન જીવ જ આવો પ્રખર આંતરપુરુષાર્થ પૂરી ખંત અને પૂરી ખેવનાથી કરી શકશે.
ખરેખરી મુક્તિ તો જીવે મિથ્યા માન્યતાઓમાંથી મેળવવાની છે. 'સા વિદ્યા યા વિમુક્તયે' – વિદ્યા એનું નામ જે વિમુક્ત કરે, જેનાથી વિમુક્ત થવાનું છે ? જીવે પોતાના કારમા અજ્ઞાન અને મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા ખ્યાલોમાંથી મુક્ત થવાનું છે.
ઉમદા ઉત્તમકોટીનું જીવન જીવવું હોય તો જીવે પોતાની ધાઈ કાઢી નાખવી પડશે. ઊંધી માન્યતાઓ પલટાવવા પ્રતિબદ્ધ થવું પડશે. જ્ઞાનીઓ ‘અપૂર્વ આંતરસંશોધન કરવાનું કહે છે, એ કરવા સુતત્પર બનવું પડશે.
ભાઈ ! કેટલીક પ્રિય મિથ્યા માન્યતા મૂકતાં, પોતાનું અંગ કાપીને મૂકવા જેવી પીડા પણ કદાચ થઈ શકે – પણ સડેલું અંગ કાપી નાખવામાં જ શું સાર નથી ? છે. આ ઘણું કપરું કામ છે – પણ એના ફળ કલ્પતરૂના ફળ જેવા જરૂર છે.
“જિન ખોજા તિન પાઈયાં. ગહેરે પાની પૈઠ– આ ગહેરા પાણીમાં ઊતરવાની વાત છે. કિનારે બેસી છબછબીયાં કરવાની વાત નથી. અપૂર્વ-આંતરસંશોધન માટે અસ્તિત્વની અતળ ગહેરાઈમાં આસન જમાવવું પડશે.
સત્ય માનવીને અમાપ સુખદાતા થાય છે એ ખરૂં - પણ, સત્ય સાધવા અપાર ભોગ પણ આપવો પડે છે. કેવળ ઉછીના સત્યોથી કામ નથી ચાલતું અપરંપાર મનોમંથનો કરી કરી; સચોટ નિર્ણયાત્મક સત્ય અંદરથી ઉગાડવું પડે છે.
ભાઈ સત્ય એવો દુર્લભાતીદુર્લભ પદાર્થ છે કે એને મેળવવા જો કદાચિત લોહીના આંસુ સારવા પડે તો પણ ઓછા છે. સગુરુઓની મહાન કૃપા છે કે સાવ સસ્તામાં ઘણા સત્યો મળી જાય છે, કાશ, એથી જ મૂઢજીવને એ સત્યોની અપાર કિંમત સમજાતી નથી.