________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૭૬
કાયા એ આત્માનું આભૂષણ છે કે બંધન - એનો વિચાર ખૂબ શાંતભાવે પરમ મધ્યસ્થતાથી કરવા યોગ્ય છે. ચૈતન્યદેવ પોતાની પરમબ્રહ્મમસ્તી અખંડપણે માણે, એમાં કાયા સહાયભૂત છે કે વિક્ષેપભૂત છે એ ગજવા યોગ્ય છે.
આત્મિક સુખની તુલનામાં પંચેન્દ્રિયના સુખો નાચીજ જેવા છે. અપરિમેય આત્મસુખ માણવું હોય તો દેહિક-માનસિક સુખોથી આવશ્યક એટલું લાપરવા થઈ જવું ઘટે છે. અનન્યભાવે એક આત્મસુખના જ આશક બની જવા જેવું છે.
જીવ પારાવાર હાલાકી અનુભવે છે – પણ, પોતાની પ્રકૃતિ બદલવા તૈયાર નથી ! વિચિત્ર પ્રકૃતિને કારણે પાર વિનાની વિટંબણાઓ એ ભોગવે છે. વળી જન્માંતરોમાં જ્યાં પણ એ જશે ત્યાં પ્રકૃતિ સાથે લઈ જઈ – સર્વત્ર – દુઃખીત થશે...પણ !!
જીવ ! પ્રકૃતિને શાંત-ધીર-ગંભીર બનાવી જાણ...પ્રકૃતિને એવી ઠારી દે કે ગમે તેવી પણ હાલતમાં એ કરેલી જ રહે. ઉચાટ, ઉદ્વેગ, ઉત્પાતવાળી પ્રકૃતિ પલટાવી નાખ. એને પૂર્ણ સમતાવાળી બનાવી દે – તારા જન્મોજન્મ સુધરી જશે.
પોતાની ઉગ્ર પ્રકૃતિ હોય તો એને પલટવા જીવે ઘણાં કાળ સુધી ઘણો મનોસંયમ દાખવવો ઘટે. જરાક પોતાનો અહં ઘવાતા જ છંછેડાય જતો હોય તો જીવે સમજવું ઘટે કે પોતામાં તીવ્ર ક્રોધ-માન પડેલો છે એ નિવારવા ઘણી ગહન જાગૃતિ વર્તવી પડશે.
પોતાની માયા-કપટપ્રધાન પ્રકૃતિ હોય તો જીવે એનાથી ખૂબ સાવચેત થવું ઘટે છે. માયા પ્રકૃતિ બદલાવવી આસાન નથી. સરળતાનો ખૂબ ખૂબ અભ્યાસ પાડવામાં આવે અને માયા ઉદ્ભવ ન થાય એની તકેદારી રાખવામાં આવે તો જ એ પ્રકૃતિમાં પરિવર્તન આવે,
લોભ પ્રકૃતિ પણ ઘણી બળવત્તર છે. એની સામે ઔદાર્યતાના ઉમદા સંસ્કાર કેળવવા પડે. લોભ પ્રકૃતિ હૃદયને સંકુચિત બનાવે છે. અન્યો સાથેના વ્યવહાર અનુચિત બનાવે છે. પોતાને અને અન્યને એ ઘણી ફ્લેશકર છે તે યત્નપૂર્વક પલોટાવવી ઘટે.