________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૭૪
માટીના બે જુદાં જુદાં ઘાટના કોડીયા હોય એમ સ્ત્રી-પુરૂષના દેહના ઘાટ જુદા છે. પરંતુ બંનેમાં ચૈતન્યજ્યોત તો બિલકુલ એકસમાન છે. આત્મા સ્ત્રી પણ નથી કે આત્મા પુરુષ પણ નથી. ભીતરની સમાન ચૈતન્યજ્યોત ભાળનારના વિકારો શમી જાય છે.
આ દેહ એક દેવળ છે અને એમાં વસનાર દેવ ‘હું સાવ જુદો જ છું – આવું વારંવાર રટણ કરવું જોઈએ. હું અરૂપી – ચક્ષુથી અગ્રાહ્ય એવો પરમ સુક્ષ્ય પદાર્થ છું' એવું રટણ અહર્નિશ કરી કરી. પોતાની દેહાતીત દશા પિછાણવી-પ્રતીત કરવી જોઈએ.
દેહમાં જે આત્મપણાની બુદ્ધિ છે એ જ અમાપ આસક્તિ જન્માવનાર છે. પરિણામે દેહના દુ:ખે નાહકનો આત્મા અપરંપાર દુઃખી થઈ જાય છે. દેહ જીર્ણ કે નિર્બળ થાય તો પોતે સ્વયં નિર્બળ થઈ ગયો એવું માની મુરઝાય રહે છે.
દેહ હીન (કુરૂપ) તો હું હીન – એવી માન્યતા ધરાર ભ્રામક છે. શરીરથી જેમ વસ્ત્ર જુદાં છે એમ આત્માથી દેહ ભિન્ન છે. આત્માના સૌંદર્યનો આધાર દેહના સૌંદર્ય પર નથી. સુરૂપ દેહમાં આત્મા અસુંદર હોય ને કુરૂપ દેહમાં આત્મા સુંદર હોય એવું બને.
અંદરમાં આત્મદેવ ન હોય તો આ દેહરૂપી મકાનની કિંમત કેટલી એ વારંવાર વિચારવા યોગ્ય છે. બે કોડીના દેહની પૂજામાં પ્રવીણ થઈને આપણે ભીતરના આત્મદેવની આજપર્યત કેવી કારી અવગણના કરી દીધી છે !?
જ્ઞાનીજન કહે છે કે દેહની ખાતર આત્માને અનંતકાળ અવગણ્યો – હવે એક વેળા તો આત્માની ખાતર દેહની ઉપેક્ષા કર – દેહની તમા મૂક. ખરેખર દેહની તમા-સરભરા મૂકીને, આત્મહિતની તમામાં તન્મય થઈ જવા જેવું છે.
અહાહા...! મહાપુરુષોએ આ કાયા પાસેથી કાંઈ અદ્દભુત કામ લીધું છે ? પોતાના આત્માનું મહાન પ્રયોજન સિદ્ધ કરવા એમણે કાયાને તો દાસી બનાવી એની પાસેથી અસ્મલિતપણે કેટલું અગાધ કામ લીધું છે ? કાયા પ્રત્યે કોઈ માયા રાખી નથી.