________________
૧૫૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
-
દરેક વ્યક્તિએ કોઈને કોઈ ગુરુ માની લીધા હોય છે. અને પ્રત્યેક એમ જ માને છે કે મારી જેવા ગુરુ કોઈના નથી. દરેક પોતાના સ્થાપેલા ગુરુને વિશ્વશ્રેષ્ઠ માને છે ? કાશ, અખીલ ધર્મજગતની આ જ મોટામાં મોટી વિડંબના છે.
પોતાના ગુરૂ આત્મજ્ઞાની છે કે નહીં– બ્રહ્મલીન છે કે નહીં– સાચા અંત:કરણથી ત્યાગી છે કે રાગી - ભવપાર ઉતરવા આવ્યા છે કે મઝધારમાં ગળકાં ખાય છે – અંતરમાં ઊંડા કરેલા છે કે બાહ્યદષ્ટિવાળા છે – ઇત્યાદિ તપાસ કોણ કરે છે !!
જઈs ખરૂં પૂછો તો મુગ્ધ જીવ કાંઈ પણ જાણતો નથી. સદ્દગુરુની પરખ કરવાનું પણ એનું કોઈ ગજું નથી. પણ આ અનંતકાળના હિતનો સવાલ છે. જીવે સદ્ગુરુને ઓળખી કાઢતા શીખવું જ પડશે – જો સ્વહિતની સઘનગહન ગરજ હોય તો.
જીવ ભૂલેચૂકે ય ભવોદધિનારક પરમપુરુષને ઓળખવામાં કોઈ કસર રાખીશ નહીં. એવા પરમગુરુ મળ્યા વિના તારા દુર્ગુણો મટશે નહીં...તારો મોહજાર' ઉપશાંત કે ક્ષય થશે નહીં. ભાઈ કુગુરુની હેસિયત નથી કે મોહવ્યાધિ એ નિવારી શકે.
અનંતકાળ એમ જ વ્યતિત થયો... અહાહા... જીવ બાપડો અનંતકાળથી આથડે છે. કોઈ એને આપ્તપુરુષ મળતા નથી. અધ્યાત્મજગતના બધા ગુરૂઓ શું આપ્તપુરુષ' છે ? બધા ગુરુઓ શું વીતરાગના અનન્ય ઉપાસક છે ? જીવ કેમ આ વિષયમાં બેદરકાર છે?
જીવ તારે શું જોઈએ છે ? – શેનો ખપ છે ? મુક્તિ કે સંસાર ? આત્મા જોઈએ છે કે જગત જોઈએ છે? ગુરુ નિર્મીત કરવાની વાત તો એ પછીની છે. અનંતકાળના પરિભ્રમણના પરિતાપ તને યાદ છે ? ભાવી અનંતકાળ ક્યા ક્યા ભટકવું છે એ વિચાર્યું છે કદીય ?
જીવની જાલિમ મૂઢતા જ એ છે કે એણે કોઈ મંઝીલ નક્કી નથી કરી ને ચાલવા જ મંડ્યું છે, એમ ને એમ ! જીવ ઘણું કરે છે પણ, શા માટે એની કંઈ જ ગમ નથી ! અરે જીવ તો હાર્દપૂર્વક આવા પાયાના પ્રશ્નો વિચારવા પણ તૈયાર નથી !! કંઈ મંઝીલે પહોંચવું છે એ તો પાયાનો પ્રશ્ન નથી ?