________________
૧૪૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
આ જીવે પોતાના આત્માની જ અવગણના કરી છે. એ મોટો અવિવેક છે. અન્યનો મહિમા ઘણો કર્યો છે – પોતાના આત્માનો જ મહિમા આવ્યો નથી ! પરમાત્માનો મહિમા પારાવાર કર્યો છે પણ પોતામાં જ સંગુપ્ત રહેલ પરમાત્માને પિછાણ્યા ય નથી !
જ્ઞાનીઓ કહે છે. ભાઈ તું પ્રભુ છો...તું તને પિછાણતો નથી !? દેવ-ગુરુનો મહિમા કરે છે પણ તારી ભીતરમાં રહેલ મહાદેવને અને પરમગુરુને કદી ય નહીં ઓળખ? ભાઈ તારું શુદ્ધસ્વરૂપ પરમાત્મસદશ છે. – રખે ય તું આ વાતમાં શંકા કરીશ નહીં.
પ્રભુ, જાવું છે દૂર દૂર, સૂઝતું કાંઈ નથી. અંતરના પ્રાણ અનંતને આંબવા તડપે છે; પણ પગમાં જાણે બેડી પડી હોય એવી દશા છે. પ્રાણના પેટાળમાંથી નિરંતર કંદન ગુંજે છે – અનંતના યાત્રિક થવાનું.....પણ !!!... નાથ ! મજબૂરીનો પાર નથી.
હે નીલગગનના પંખી ! શું વેરાન વગડામાં વાસો કરી રહેલ છો ? આ સંસાર તો વેરાન વગડો છે. – શું એને નંદનવન માની પડ્યો છે ? અહાહા...જીવ ! તારી વિભ્રાંતિનો કોઈ પાર નથી. સઘળાં વિભ્રમોને છેદવા ક્યારે તત્પર થઈશ ? ક્યારે...?
કોના વિના તડપે છે આ જીવ ! શાં માટે એ સતત ઉચા મને જીવે છે ? રઘવાયો કેમ છે આ જીવ ? એનો તલસાટ-એની વેદના વ્યાજબી છે કે ગેરવ્યાજબી ? ઉપાય શું ? વલખતા પ્રાણ જંપે શી રીતે ? કોઈ સાચો રાહ સૂઝાડે ? ક્યા ખોજવો રાહબર ?
ભાઈ.! અધ્યાત્મનો રાહ ઘણા ખતરાઓથી પણ ભરેલો છે. એમાં ભટકી જવાની સંભાવનો ય પાર વિનાની છે. ભળતા રસ્તે ચઢાવી દેનારા ભોમીયાઓ ય ઘણા છે. સાચો રાહબર ખોજવો. મેળવવો આસાન નથી... ને રાહબર વિના ય યાત્રા કરવી સલામત નથી.
જીવ! જો તારે તરવું જ હોય, – ભવસાગર પાર ઉતરવાની ઊંડી અભીપ્સા હોય, તો તું એક તકેદારી તો અવશ્ય રાખજે– કે - રાહબર પસંદ કરવામાં ભૂલ ખાતો નહીં. સાચા રાહબરનું મૂલ્ય અધ્યાત્મપંથમાં ખરે જ વર્ણવ્યું ન જાય એટલું અસીમ છે.