________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૫૦
જીવની યોગ્યતા હોય એવા ગુરૂ જ એને રુચે.જચે છે. મોટાભાગના જીવોને મનોરંજન કરનારા ઉપદેશક રુચે છે. મનને ઠારીને, મનનો આત્મામાં લય મેળવી આપનારા પરમબ્રહ્મલીન ગુરુ તો કોઈક વિરલ સુભાગી જીવને હૈયે વસી જાય છે.
અહાહા...આત્મલીન જ્ઞાનીની ગોઠડી તો એવા પરમ ભવ્ય જીવને જ ગોઠી જાય છે. એ ગોઠડીનો મર્મ...એ ગોઠડીનું મૂલ્ય...માત્ર એ જ જાણે છે. એવો પરમોદાત્ત સમાગમ પામી ઈ જે ધન્યતાકૃતાર્થતા-અહોભાવ અનુભવે છે તે અવર્ણનીય છે.
સસમાગમથી જે અગણિત સમજણો – ગહેરી ગંભીર સમજણો – ઉપલબ્ધ થાય છે. એ કરોડો વરસના તપથી પણ કાંઈ જ થતી નથી. જીવ ખરેખરો ખપી જોઈએ – ગ્રાહક જોઈએ – તો આપનાર દિલનો દરિયો આખો ઠાલવી દે છે. - કોઈ કમી રાખતા નથી.
જીવના આત્મોત્થાનના સાધક ભાવો ક્યા ક્યા છે અને બાધક ભાવો ક્યા ક્યાં છે એની શ્રીગુરુને ખબર છે. શ્રીગુરુ પાસે હયું ઠાલવી તમામ દાસ્તાન રજુ કરવી જોઈએ. શ્રીગુરુ પણ એવા સુપાત્ર જીવ પાસે પોતાનું યાનું તમામ રહસ્ય ખુલ્લું મૂકી દે છે.
જીવનની યાત્રામાં જેમ અભિન્નહૃદયનો જીવનસાથી મળી રહે તો જીવન ધન્ય બને છે, એમ આત્માના અનંતશ્રેયઃની સાધનામાં એવો મંઝીલદર્શક-માર્ગદર્શક પુરુષ મળે તો જન્મોજન્મ સુધરી જાય છે – ભાવી અનંતકાળ રમ્યભવ્ય બની રહે છે.
અનંતકાળથી યમ, નિયમ, સંયમ, તપ, જપ ઇત્યાદિ અગણિત અગણિત ઉપાયો કરતો આવેલો જીવ, બાપડો જાણતો નથી કે શું કરવું શેષ રહી જાય છે. સુજાણ ગુરુ વિના કોણ બતાવી શકે ? અહી..હા.. જીવ એવા સુજાણ ગુરુને ઓળખી ય શકતો નથી !
જીવ જાણતો જ નથી કે એની ભૂલ શું છે. ત્યાં એ ભૂલથી એ નિવર્તવાનો ક્યાંથી હતો ? જીવ તો મુગ્ધપણે માને છે કે, સદ્ગુરુવરની જરૂરત બીજાઓને હશે – હું તો પૂર્ણ સમરથ છું. મારે કંઈ કોઈ રાહબરની જરૂરત નથી. કાશ, જીવનો આનાથી ગોઝારો વિભ્રમ એકે નથી.