________________
૧૬૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
એકવાર આત્મભાન જાગી ગયા પછી તો મન સાવ બાપડું બની જાય છે – એનું જોર રહેતું નથી. એ સેવકતુલ્ય બની જાય છે. હા જાગેલ આત્મભાન સદાજાગૃત રાખવા શ્રમ કરવો રહે છે. પણ મન તો ‘મીયાની નિંદડી' જેવું નિરુપદ્રવી બની જાય છે.
બગડેલી બાજી કેમ સુધરે એ જ એક જીવની વિમાસણનો વિષય હોવો ઘટે. પોતે કેટલો પામર છે કે જીવનની બાજી કેટલી સુધરી-કેટલી બગડી, એ પણ જાણતો નથી. પ્રભુકૃપા વિના આપમેળે બાજી સુધારવા જીવ ઘણો જ અસમર્થ છે.
જીવે ગહન પ્રાર્થનામય બની જવાની જરૂરત છે. જીવે જાતે જ પોતાનું કેટલું બગાડ્યું છે એનો એને અંદાજ નથી. જીવન વિશે ચિંતનની એવી ગહેરાઈમાં જીવ કોઈ દિવસ ગયો જ નથી. જીવ ઘેલો શેમાં રાચ્યો છે એ જ સવાલ છે.
પોતાના અહંકાર, પોતાના આગ્રહો, પોતાના પૂર્વગ્રહો આદિના કારણે જીવે જાતે જ પોતાનું કેટલું બગાડ્યું છે એનો હિસાબ જીવ પાસે નથી... પોતાના જીવનનો સૌથી મોટો દુશ્મન હોય તો જીવ પોતે જ છે... અન્ય કોઈ નહીં.
જીવે આદ્ર થવાની જરૂર છે. ભીનાં હૃદયવાન થવાની જરૂર છે. દર્દીલ બનવાની જરૂર છે. જીવનમાં ગુણદોષ વિષયક ગહન ભાન પામવું હોય તો એણે ઊંડા અંતર્મુખ થઈ, જીવન ઈતિહાસના પાને પાના શાંતિથી અવલોકવાની જરૂર છે.
જીવનની બગડી ભાજીને પોતે સુધારી શકવા સમર્થ નથી – કેટલુંક તો બૂદથી બગડ્યું છે એ હોજથી પણ ન સુધરે એવું હોય છે – પણ બગડી બાજીને બારીકાઈથી જાણવાથી જીગરમાં ગહન દર્દ અને ગંભીર પ્રાર્થનાનો જન્મ થાય છે.
બગડી ભાજી તો કોઈ સુધારી શકે નહીં. ગઈ તે પળ વીતી ગઈ વાત પૂરી થઈ. પણ આત્મામાં એનું દર્દ પેદા થાય તો, ભાવી જીવન એવી ભૂલોથી રહિત જીવવાનો અંતર્વિવેક ઉદ્દભવ થાય – જે જનમોજનમ કામ આવે.