________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૬૬
કોઈ જીવને અન્યાય કરીને મારે કોઈ જ સુખ નથી મેળવવું – એટલું ય જીવ નિર્મીત કરે તો પણ એ જ્ઞાનીને કંઈક સમજ્યો છે એમ સમજવું. આત્માર્થી જીવે કમ સે કમ ઉપર્યુક્ત નિર્ણય કરી નિષ્ઠાથી એ પરિપાલન કરવો ઘટે.
એકાએક આત્મિક સુખનો અનુભવ ન પણ થાય, અને એકાએક ભૌતિકસુખની રતી ન પણ છૂટે – તો પણ ન્યાયસંગત સુખ જ મને ખપે, એવો સુદઢ નિર્ધાર તો સજ્જન પુરુષોએ અવશ્ય કરવો ઘટે છે. ન્યાયનો વિષય બહું વિચારણીય છે. જે રીતે નિર્દોષતા કે અલ્પદોષ થાય એ રીતે વર્તવું જાય છે.
સંસારિક સુખ જતા રહેતાં પણ ચિત્તમાં સમતા છવાયેલી રહી શકશે – જો આત્મિક સુખનો થોડો ઘણો પરિચય સાધ્યો હશે તો, જીવ, કદીય વિનાશ ન પામે એવા સુખનો અનન્ય આશક તું ક્યારે થઈશ ?
જે કેવળ શારીરિક સુખોમાં જ રાચે છે એ ઘણાં તુચ્છમતિવાન માનવો છે. જે સાહિત્યસંગીત, ચિંતન આદિ માનસિક સુખોમાં રાચે છે તે મધ્યમકક્ષાના માનવો છે. અને જે આત્મિક સુખમાં રાચે છે એ પરમ શ્રેષ્ઠ કક્ષાના માનવ છે.
કેવળ કાયિક સુખોમાં જ રાચનારા માનવી કાયા જીર્ણ થાય ત્યારે પારાવાર પરિતાપ પામે છે...તન ઘરડું થાય પણ મન ઘરડું અર્થાત્ શાણું થતું નથી. આકાંક્ષાની આકુળતામાં ને આકુળતામાં દુર્લભ જીવન વેડફી મારે છે.
નિત્ય શવાસનમાં સુઈ એવો તીવ્ર ખ્યાલ કરો કે આ કાયા હવે વિદાય લઈ રહી છે...બસ, ઘડી બે ઘડીની મહેમાન છેઃ મારી જીવનલીલા સંકેલાય રહી છે...આવું અહર્નિશ ચિંતન, જીવનના શેષ કર્તવ્યો પ્રતિ તમને સજાગ બનાવશે.
સ્વભાવ સુખમાં જ ઓતપ્રોત થઈને, કાયાની આસક્તિ સંપૂર્ણપણે વિસરી જનારા મહામુનિઓ પરમવંદ્ય છે. સ્વભાવ રમણતામાં લયલીન એમને કાયાની તો સ્મૃતિ પણ રહેતી નથી – પોતે દેહાતીત શુદ્ધચૈતન્ય છે એ જ એવા ભાવમાં એ રમે છે.