________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૪૬
ભાઈ સાધક એનું નામ – જે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ય સમ રહે. ગમે તેવી ઉત્તેજક પળોમાં પણ પૈર્ય ગુમાવે નહીં. સામો જીવ બૈર્ય ગુમાવી બેસે એ ક્ષમાપાત્ર છે. સાધકે ન તો પૈર્ય ગુમાવવું ઘટે કે ન તો કદી ઉત્તેજનામાં આવવું ઘટે.
ભાઈ ! અજ્ઞાન બહુ બૂરી ચીજ છે. અજ્ઞાન ધરાવનાર વ્યક્તિ અંદરથી કદી સુખી હોતો નથી. જીવની અણસમજણ એને પારાવાર દુખીત કરે છે. માટે અજ્ઞાની જીવ ખૂબ ખૂબ કરુણાપાત્ર છે – ક્ષમાપાત્ર છે. એની ઝાઝેરી દયા ખાજો.
અજ્ઞાની જીવ આગ્રહી પણ ખૂબ હોય છે...અજ્ઞાની કહેતા અણસમજવાન જીવ જાણવો, જ્ઞાન અલ્પ હોય પણ સમજુ પ્રકૃતિ હોય તો એની અહીં વાત નથી. જ્ઞાની તો નિરાગ્રહી હોય છે. વૃથા વાદવિવાદમાં પડવું જ્ઞાનીજનનું કામ નથી.
સહેજે સહેજે કોઈ જીવ સમજતો હોય તો સારી વાત છે. બળજબરી કરવાનું પરિણામ તો સારું નથી આવતું પણ, કદાચ વધારે બગડી જવા સંભવ છે. વળી, પોતાની ઉર્જા ગુમાવવાની થાય છે – પ્રતિષ્ઠા ગુમાવવાની થાય છે – કિંમતી સમય પણ ગુમાવવો પડે છે.
સાધક જીવે તો પોતાનું સ્વહિત અપાર સાધવાનું છે. અજ્ઞાનીને સમયાદિની એવી કિંમત હોતી નથી. સાધકને એટલું બધુ અંતરકાર્ય સાધવાનું છે કે એને નવરાશ જ નથી, નાહકના વાદ-પ્રવાદ કરવાની. સ્વહિતના ભોગે કોણ વિચક્ષણ વાદમાં ઉતરે ?
સમર્થ જ્ઞાની પુરૂષો જે પ્રવૃત્તિ કરે એના અનુકરણમાં સામાન્ય સાધકે જવું હિતાવહ નથી. સ્વહિત સંભાળી બેસવું જ એના માટે શ્રેયસ્કર છે. લાંબા જોડે ટુંકો જાય-મરે નહીં તો માંદો થાય' – એ કહેવત મર્મસભર છે. સમર્થ જ્ઞાનીનું એવું અનુકરણ કરવું ઘટે નહીં.
સમર્થ જ્ઞાનીની બરોબરી કરવા જાય કે નકલ કરવા જાય તો સામાન્ય સાધક સ્વહિત સાધવાના બદલે ખરે જ ઉછું નુકશાન નોતરે. પોતાની પાત્રતા સમજી પગલું ભરવું જ હિતાવહ છે. – આ બહું ગંભીર વાત છેઃ ભૂમિકા અનુસાર જ સાધના સાધવી ઘટે.