________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૩૪
આત્માનું દર્દ એ કેવું ગહેરૂં દર્દ છે ને કેવી અદ્વિતિય ગુણમત્તાવાળું દર્દ છે એનો અવગાઢ પરિચય વિરલ સાધકોને જ હોય છે...એ દર્દ વેઠી જાણનારા, ખરેખરા વીર પુરુષો છે. એવી વીરતા અને ધીરતાનો જગતમાં જોટો નથી.
બુદ્ધપુરુષોનું અંતઃકરણ દર્પણ જેવું નિર્લેપ હોય છે – દર્પણમાં બધી જાતના સારા કે નરસા પ્રતિબિંબ પડે છે. પણ દર્પણ એની ચીરસ્થાયી કોઈ અસર ઝીલતું નથી. પદાર્થમાંથી દર્પણમાં કશું સંચીત થતું નથી. એવું જ જ્ઞાનીના અંતઃકરણનું પણ છે.
દર્પણ માફક જ્ઞાનીનું જ્ઞાન જાણે છે બધું જ – કશું જાણવાની એ ના કહેતું નથી. સ્વાભાવિક બધુ એ જાણતું રહે છે. પણ દર્પણમાં જેમ કોઈ છાપ ઉઠતી નથી એમ, જ્ઞાનીના જ્ઞાનમાં પણ જગતનું પ્રતિબિંબ પુરેપુરું પડે છે – છતાં કોઈ છાપ એ જ્ઞાન સંગ્રહનું નથી.
સુંદર વસ્તુનું પ્રતિબિંબ ઝીલવાથી દર્પણ વધુ સારો બની જતો નથી કે મલીન વસ્તુનું પ્રતિબિંબ ઝીલવાથી દર્પણ લેશ મલીન થઈ જતો નથી. એમ જ્ઞાનીના જ્ઞાનમાં જણાય આવે બધુ, પણ જ્ઞાની તો એથી ન્યારા-નિર્લેપ-નિર્વિકાર અને નિજાનંદ મગ્ન રહે છે.
એવું છે કે આત્માથી નિસ્બત જામે ત્યારે એની જગતથી નિસ્બત આપોઆપ પરવારી જાય છે. આત્માથી નિસ્બત પરમ અવગાઢ જામે ત્યારે સહજ જ દર્પણ જેવી નિર્વિકારતા પેદા થાય છે – જગતને એ ‘દર્પણ જેમ' શુદ્ધ સાક્ષીભાવથી નિહાળતો થાય છે.
જગતથી જરાય નિસ્બત કે નાતો ન રહે ત્યારે કેવી અભંગ આત્મરણતા પેદા થાય છેએ માત્ર એવા આત્માનુભવી જ જાણે છે. આત્મરમણતાનો અલૌકિક આસ્વાદ લઈ ચૂકેલ ચેતના, એક ક્ષણાર્ધ માટે પણ એ આસ્વાદ ચૂકવા રાજી નથી.
આ અખંડપણે આત્મરમણતાનું સંવેદાવું એ જ સાધુપણું છે. “ભવોદાસીનતા' તો એનું સહજ પરિણામ છે. આત્મરમણતાથી જે સહજ સાધુતા નિખરે છે એ સાધકને સાવ હળવો ફૂલ જેવો બનાવી દે છે. પાળવી નથી પડતી – સાધુતા સહજ પળાય જાય છે.