________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૩૮
હે મુગ્ધ માનવી તું પ્રસન્ન રહેતો હોય તો એ તારી ગુણમત્તા છે. પણ તારી પ્રસન્ન મનોદશા તો કાળના પ્રવાહમાં અચૂક ક્ષીણ થઈ જવાની છે. ચીરસ્થાયી-શાશ્વત ચિત્તપ્રસન્નતાના રાહની તને ગતાગમ નથી. ભાઈ ! એ અર્થે તો ઉત્કૃષ્ટ સ્વરૂપ સાધના સાધવી રહે છે.
શાશ્વતના ઉપાસક અમને ક્ષણિક સુખ કે ક્ષણિક પ્રસન્નતામાં ખાસ રસ નથી. પ્રાજ્ઞ કરે તો નિત્યસુખ' તલાસવું ઘટે. ખોજે એને ખચિત મળે છે...ભાઈ અચૂક મળે જ છે. એકવાર લાધ્યા પછી અનંતકાળ અળગું ન થાય એવું સુખ ખોજવા યત્ન કરવો ઘટે.
જે ક્ષણિક છે એ ગમે તેટલું લોભાવનારું હોય તો પણ, યોગીજને એમાં રાચતા નથી. આજે હસાવે છે ને કાલ રડાવે એવા ક્ષણિક સુખમાં વિવેકીનર તો કોઈ રાચે નહીં જ. યોગી સદા જાગૃત રહી – ક્ષણિક સુખના પ્રલોભનોથી બચીને – શાશ્વતમાં જ રાચે છે.
ધન, કીર્તિ રૂપ, યૌવન બધુ અનિત્ય છે – આભાસી છે – આત્મભાન ભૂલાવનાર છે. સંયોગમાં ક્ષણભર સુખ લેવા જતાં વિયોગમાં દીર્ધકાળપર્યત દુઃખીત રહેવાના વારા આવે છે. અને ભાઈ સંયોગો તો અચૂક પરિવર્તનશીલ રહેવાના જ? માટે અનિત્યમાં પ્રથમથી જ રાચવું નહીં.
અહાહા....! અનંતકાળની સુદીર્ઘ યાત્રામાં આ જીવે બધા જ સંયોગો અનંતવાર મેળવ્યા છે. આ જીવ અનંતવાર સંયોગોના અનુરાગમાં ગળાડૂબ હૂળ્યો છે અને સંયોગો ચાલ્યા જતાં અનંતવાર હૈયાફાટ રડ્યો પણ છે. કાશ, હજુયે ચેતવું નથી ?
સંયોગો હો તો ભલે હો – પરંતુ એને શાશ્વત સમજી મસ્તાન થઈ જવું ઉચિત નથી. ‘આ સંયોગો આજે છે.કાલે ન પણ હોય' એવું ભાન જાગતું રાખવું જોઈએ. સમજીને જ બેસવું ઘટે કે આ સદાકાળ ટકવાનું નથી – એક દિન અવશ્ય જવાનું છે.
સામાન્ય સમજણ અને વિશદ સમજણમાં મોટો ફરક છે. સામાન્ય સમજણ અન્ય કોઈ અવલંબન તારા સાંપડે છે...જ્યારે વિશદ સમજણ બહારથી નથી સાંપડતી. એ તો વરસોના ગહન અભ્યાસ અને અનુભવ પશ્વાત પાંગરે છે, અંતરમાંથી.