________________
૧૪૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
પોતાને પ્રિય લાગે એવું નહીં પણ ઉચિત હોય એવું જ આચરણ કરવા મનગમતા વિકલ્પનો ભોગ પણ આપવો પડે છે. ઉચિત શું – ક્યા સમયે, ક્યા સ્થાને શું ઉચિત, શું અનુચિત, એની ગહનગવેષણ કરવી પડે છે – તદર્થ અનૂઠી જાગૃતિ પણ જોઈએ છે.
મને પ્રિય લાગે એવું નહીં આચરૂ પણ જે ઉચિત હોય તે જ આચરીશઃ એવો દૃઢ નિર્ધાર જોઈએ. ઉચિત-અનુચિતની ગમ ન પડે ત્યાં સુધી બનતા પ્રયાસે નિષ્ક્રિય રહેવું ઘટે. ગમે તેવી સ્થિતિમાં કે સંયોગમાં પણ ચિત્યપાલનનો જ આગ્રહ રહેવો ઘટે.
ઉચિત ન આચરાય એનો, તથા અનુચિત આચરવું પડે તો એનો, પારાવાર ખેદ હોવો ઘટે. પોતાની બેદરકારીથી ઉચિત-અનુચિતનો વિવેક ન રહે એમ બનવું ઘટે. પ્રથમ પૂરી વિચારણા-ગવેષણા કર્યા બાદ જ પ્રવૃત થવું જોઈએ.
સામો જીવ વિવેકસ્મૃત થઈ તદ્દન અનુચિત વર્તન દાખવે તો પણ પોતે મનોસંયમ ગુમાવવો ન ઘટે. અનુચિત વર્તનનો બદલો પણ ઓચિત્યપૂર્ણ આપવો ઘટે. કોઈ વિવેક ચૂકે તો ય આત્માર્થી સાધકે વિવેકસ્મૃત ન જ થવું ઘટે.
પ્રત્યેક પ્રસંગમાં ઔચિત્ય જાળવી જાણનારને એનું અંત:કરણ ડંખતું નથી. એનું હૃદય પવિત્ર રહે છે. પોતાને તથા પરને થતી ઘણી હાની અટકી જાય છે. વિવેક અને જાગૃતિ સારી રહેતી હોય અપરંપાર લાભ થાય છે.
પોતાનું ઔચિત્ય ચૂકી જેવા સાથે તેવા’ – થવા જાય તો વેરની વણકલ્પી પરંપરાઓ પેદા થાય છે. સામાને ખાતર પોતાની પરમોદાત્ત પરિણતિ ગુમાવવાનું થાય છે. આથી સ્વ-પર ઉભયને કેવળ નુકશાન જ થાય છે. માટે કોઈ પણ સંજોગમાં ઔચિત્ય ચૂકવું નહીં.
સાધકે સ્વભાવમાંથી કિન્નાખોરી બિલકુલ કાઢી નાખવી જોઈએ. કિન્નાખોરી એટલે બદલો લેવાની વૃત્તિ. કોઈ ભંગ બને તો પોતે પણ ભલાઈ ત્યજી ભંડા થઈ જવું એ ઉચિત નથી. પોતાનો સંતસ્વભાવ ગમે તેવી પરિસ્થિતિમાં પણ જળવાય રહેવો જોઈએ.