________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૪૦
સહજાત્મભાવમાં રહેવું એટલે શક્ય ત્યાં સુધી ક્યાંય ઉત્સુક ન થવું. કશાથી બહુ ઉત્તેજિત ન થવું શક્યતઃ કોઈ કરતાં કોઈ વિષયમાં માથું ન મારવું કાર્યવશાત્ કશામાં ભળવું થાય તો પણ ઉપર ઉપરથી ભળી, વળી ઝટ છૂટા થઈ, આત્મસ્મરણમાં લાગી જવું.
સાધકે તીવ્ર હર્ષ-શોકમાં કદી આવવું નહીં. સારો ય સંસાર ગલત છે એમ જાણી એના અવનવા તમામ રંગોમાં રંગાયા વિનાના રહેવું. બધું ગલત છે – બધું તુચ્છ છે. એક માત્ર આત્મધ્યાન જ સત્ય છે. એમાં તલ્લીન રહેવું. બસ એ જ કરણીય છે.
પોતાની આકુળતાનું ખરૂં કારણ જીવ જાણતો નથી – પણ સુક્ષ્મ વિચારપૂર્વક પ્રયત્ન કરે તો સમજાય કે નિજ સહજસ્વરૂપનું ભાન વિસરાયું છે એ જ મહામુંઝવણનું મૂળ કારણ છે. – બાકી કોઈ કારણ નથી. બાહ્ય આધિ-વ્યાધિ-ઉપાધિ પણ વસ્તુતઃ આકુળતાનું કારણ નથી.
હે જીવ! જ્યારે પણ તું મુંઝારો કે વ્યાકુળતા વેઠવા મંડે ત્યારે નિજે માનજે કે તને તારા સહજ આત્મસ્વરૂપનું વિસ્મરણ થવા પામેલ છે. એ સિવાય કોઈ કારણ નથી. બસ સ્વરૂપ સ્મરણ તાજું કરવા એકાગ્રચિત્ત થા...તમામ મુંઝવણ દૂર થઈ રહેશે.
ચિત્તની વિષમસ્થિતિમાંથી... આત્માની સહજસ્થિતિમાં આવતા અલબત થોડો સમય પણ લાગી શકે ધીરજ અને સમતા રાખી સ્વરૂપ અભિમુખ થવા લક્ષ કરવું. પુનઃ કદીય એવી વિષમસ્થિતિ ન જોઈતી હોય તો સ્વરૂપ વિસ્મરણ થવા જ ન દેવું.
ભાઈ ! સ્વરૂપનું વિસ્મરણ તારા જ પ્રમાદથી થયું છે. હવે સ્વરૂપાનુસંધાન સાધવા થોડી પ્રતીક્ષા પણ કરવી રહી. ગહન પ્રતીક્ષાવંત રહેનારને ગહેરાઈ મુજબ પુનઃ પરમતત્ત્વનું એવું પ્રગાઢ સાંનિધ્ય મળી જ રહે છે...ગહન ગાઢ પ્રતીક્ષા જોઈએ.
અહાહા.પરમતત્ત્વના સંમિલન કાજેની ગહન પ્રતીક્ષા પણ કેવી મધુરી છે. એ પ્રતીક્ષામાં પરોવાતા સંસારના તમામ પાર્થિવ-ભાવો વિસરાઈ જાય છે. એ જ પ્રતીક્ષામાં ચિત્ત નિઃસ્તબ્ધ બની જાય છે ને સહજ ધ્યાન જામી જાય છે.