________________
૧૧૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
સ્વપ્નતુલ્ય આ સંસારમાં અટવાયેલા જીવે કોઈ પણ રીતે ય સ્વપ્નદશા તોડવાની છે. સ્વપ્ન પણ પ્રિય થઈ પડ્યું હોય એને તોડવાનું કપડું ભાસે, પણ સ્વપ્નદશા તોડ્યા વિના ઉપાય નથી, – જો અપૂર્વ જાગૃતિનો ખપ હોય.
ભાઈ તું નિષે જાણજે કે, સમજણ ને ઘડવાની જે સાધના છે એ સર્વ સાધનાઓ કરતા ઘણી મહાન અને અમિત ફળદાયી સાધના છે. સમજણ ને સવળી કરવા જેટલો શ્રમ અપાય તે સર્વ લેખે છે. કારણ સવળી સમજણ જેવું રૂડું સુખ ક્યાંય નથી.
અહાહા...સાચી સમજણ કેળવાય તો જીવ કેટલા મિથ્યા ઘમંડ અને કેટલીયે મિથ્યા ઘેલછાઓમાંથી બહાર આવી જાય છે. માનસિક કેટલાય ફલેશો-સંતાપોમાંથી ઉગરી જાય છે. અને કેવી અનુપમ માનસિક સ્વસ્થતા માણી શકે છે.
સમજણ પૂર્વકના બોલ જે બોલે છે એને પસ્તાવાનો વખત આવતો નથી. સમજદારી પૂર્વક વાણી વદાય તો પ્રાય કોઈ જીવને દુઃખનું નિમિત્ત થતી નથી. સમજણ ઘણી વ્યર્થ ટકરામણો – અથડામણોમાંથી ઉગારી લે છે અને સ્વપર-ઉભયને હિતકર બને છે.
સાચી સમજણ ખીલવવા માટે સત્સંગ સર્વથી ઉત્કૃષ્ટ સાધન છે. સાથોસાથ ચિંતન-મનન-અનુશીલન પણ ખૂબ ખૂબ હોવા ઘટે. સારૂં વાંચન પણ આત્મલક્ષીભાવે થાય; અને ચિંતન-મનન-નિદિધ્યાસનપૂર્વકનું હોય, તો પરમોપકારક નીવડે છે.
સમજણ આલોક અને પરલોક બધું જ સુધારી આપે છે. સમજવાન જીવ ઉતાવળું કોઈ પગલું ભરતો નથી...ઉતાવળી વાણી વદતો નથી...ઉતાવળો કોઈ અભિપ્રાય આપતો નથી કે ઉતાવળો કોઈ નિર્ણય બાંધતો નથી. સાચી સમજણ મન-વચન-કાયાનો ઉત્તમ સંયમ બક્ષે છે.
સાચી સમજણવાન જીવ ખમી ખાવામાં માને છે – ગમ ખાવામાં માને છે. પોતે ખમી લે પણ સામાને દુ:ખ પહોંચે કે હાની પહોંચે એવી કોઈ વર્તણુક દાખવતા નથી. પોતાના અસાધારણ સંયમને કારણે સ્વાભાવિક જ એમનું સર્વ વર્તન સાધુતુલ્ય હોય છે.