________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૨૪
પ્રશ્ન તો શું પરાશ્રિત સુખની આશા જ મૂકી દેવી ? ઉત્તર :- હી...ભાઈ ! જ્ઞાનીઓ તો સાફસાફ એમ જ કહે છે. એકમાત્ર આત્માના આશ્રય વડે પ્રગટતું સહજ સુખ જ સત્ય છે. પ્રાજ્ઞજનને તો એ જ પરમાદરણીય છે. સહજ સુખના આશક બનવું. સ્વાશ્રિત સુખમાં જ રતી-પ્રીતિ કરવી.
જગતની આશા સરિયામ ત્યજી; જગદીશ અર્થાતુ પોતાના અંતરમાં વસેલ વિભુની ગોદમાં વિરાજી જા. અંતમિમાં ખૂબ ઠર, અને સહજ સુખનો આગ્રહી થા. એથી પરાશ્રિતબુદ્ધિ જડમૂળથી નિર્મળ થઈ રહેશે. – આ જ ખરૂં આત્માર્થીપણું છે.
પોતે જ પરમાત્મસ્વરૂપ છે એવો પરમ નિશ્ચય કરી, પોતાના જ ઊંડા અસ્તિત્વમાં આસન જમાવી દેવું ઘટે છે. અહીં જે અનિર્વચનીય સુખની અનુભૂતિ થાય છે એ સાધકમાં સર્વોત્કૃષ્ટ ખુમારી પ્રગટાવી, પરાશ્રિતબુદ્ધિને પીગાળી નાખે છે.
બહારમાં ભલે ક્ષણિક સુખની ભરમાર હોય પણ એ આખર દુઃખ અને દુર્ગતિમાં જ લઈ જનાર છે. હે જીવ! તારે શાશ્વત સુખ સાધવું હોય તો તું સત્વરત્વરાથી અંતર્મુખ અને આત્મલીન થા...જગતના સુખોની ભ્રમણા સર્વથા ભૂલી જા..ભૂલી જા.. ભૂલી જા...
વસમું લાગે કે વહાલું લાગે – પણ, જે સત્ય છે તે સ્વીકાર્યા વિના જીવનો ઉદ્ધાર નથી. સત્ય કદાચ કડવું પણ લાગે મન સત્ય સ્વીકારવા એવું તત્પર ન પણ બને – પરંતુ, આત્મોદ્ધારના ધ્યેયવાન જીવે કટુ સત્યોને પણ ઝિંદાદિલ રીતે અપનાવવા ઘટે.
જીવનો આત્મોદ્ધાર જીવે જાતે જ જાગૃત-જ્ઞાનવાન થઈ કરવાનો રહે છે. પરમાર્થદષ્ટિથી જોતા આત્મશ્રેયઃ જીવે સ્વયં જ અંતર સૂઝ પ્રગટાવી પ્રગટાવીને કરવાનું રહે છે. ગુરુ કદાચ આંગળી ચીંધી આપે પણ રાહ તો જીવે જ જાતે ચાલવાનો છે.
કોઈ અંગુલીનિર્દેશ કરી આપે એથી કાંઈ કારજ ઓછું જ સધાય જાય ? કોઈ સાધના સાધી આપે કે કૃપા કરી આપે અને જીવનું શ્રેયઃ નિષ્પન્ન થઈ જાય એવી વાતો ભ્રામક છે. તાત્પર્ય એ છે કે જીવે જાતે જ દઢ નિર્ણયવાન બની સઘળું સુકાન સંભાળવાનું છે.