________________
૧૨૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
પ્રભુ! હવે કેટલી પ્રતીક્ષા કરાવીશ...? મારી આશાઓ પણ ક્ષીણ થવા લાગી...તારા વિયોગે મારી ચિત્તભૂમિ ઉજ્જડ જેવી બની ગઈ...જીવનના તમામ રસો મંદ પડી ચૂક્યા...હૃદયમાં કેવળ જૂન્યતા પથરાવા લાગી...શ્વાસ પણ ચાલતા થંભી ગયા...પ્રભુ...હવે ક્યારે દરિશન આપીશ ?
આ સંસાર...એ નિરંતર પરિવર્તનશીલ છે...અહીં ક્ષણે ક્ષણે અવનવા રંગો બદલાય છે. સંસારમાં કોઈ કોઈ પણ ભાવોને ચિરસ્થાયી રાખવા માંગે તો એ અસંભવ જ છે. એકમાત્ર પોતાનો સ્વભાવ. આત્મભાવ જ સ્થિર રાખવો હોય તો રાખી શકાય છે.
જે ભાવો એક ક્ષણાર્ધ પણ સ્થિર ટકતાં ન હોય એવા અસ્થિરભાવોમાં ચાહે તેવી મોહકતા ભાસે તો પણ, નિજે મોહાવા જેવું નથી. ક્ષણિક આકાશમાં વિહરાવી પાછા ધરતી પર ફેંકી દે, બેરહમ, એવા ધોખાબાજ રંગોમાં ક્યો ધીમંતપુરુષ રુચિ-પ્રીતિ કરે ?
હે સુજ્ઞપુરૂષ ! તને જો સ્થિર-અવ્યાબાધ સુખની અભિલાષા હોય તો તું એકમાત્ર તારા સહજ સ્વરૂપનો આશ્રય કર. જે સુખ પરાશ્રિત અને પરિવર્તનશીલ હોય એવું સુખ ચાહે તેવું પ્રલોભનકારી હોય તો પણ તું એની આશા મનમાંથી નિવારી દેજે.
પરસંયોગોના કે પરવ્યક્તિઓના આશ્રય વડે સુખ મેળવવા આખો સંસાર મથે છે. પણ એ સંયોગો વીખરાયને વિખૂટા પડે ત્યારે જીવના વલોપાત ને વિલાપનો પાર રહેતો નથી. જીવનું અજ્ઞાન એવું દારૂણ છે કે એ સાથ-સંયોગને સદા પકડી રાખવા મથે છે?
સંયોગ આખર વિયોગમાં પલટાવાના જ છે. સંયોગો હાથતાળી આપી ચાલ્યા જાય છે અને જીવ ભ્રાંતિવશ એના વિના પોતાને નિઃસહાય કલ્પી કારમાં કલ્પાંતો કરે છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો આ જીવની થનગાઢ ઘેલછા અને નરી વિવેકહીનતા જ છે.
હસાવનારા સંયોગો હૈયાફાંટ રડાવે પણ છે. પરાશિત સુખનો વ્યામોહ કર્યો એણે આખર તો પોકે પોકે રડવાનું જ છે. જે સુખ આખર દુઃખ-શોક-હતાશામાં જ રૂપાંતરિત થવાનું હોય એને વાસ્તવમાં સુખ કેમ કહી શકાય ?