________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૨૨
મનની અવળાઈ એવી છે કે હિતની વાત પણ આપણે અવળી ગ્રહણ કરીએ છીએ. હિતની વાતથી પણ નાખુશ થઈ અવળો આગ્રહ સેવીયે છીએ. એમ જ અહિતની વાત પણ ત્યજવાના બદલે ઉલ્ટા વધુ પક્કડથી એને વળગીએ છીએ. આપણે સદ્ધોધને લાયક જ નથી.
લાયક ન હોય એવા જીવને પરમાત્મા ખૂદ પણ સુધારી શકે નહીં. જે જીવ સ્વયં જીવનમાં પલટો લાવવા તત્પર નથી એને લાખ ઉપદેશ પણ પલટાવી શકે નહીં. લાયક ન હોય એવા જીવને બોધીત કરવા વ્યર્થ પ્રયત્ન કરવો નહીં. – કારણ એ હાનીનો વ્યાપાર છે.
જીવને અનંતકાળમાં અનંતા તારણહારો મળ્યા છે. બધાયને ઉપેક્ષીને એ એવો જ અવનત અને અવળચંડો રહ્યો છે. પાત્ર ન હોય એવા, જીવ જ્ઞાની કરતાં પણ પોતાને વધુ ડાહ્યા માનતા હોય છે. એનું ચાલે તો તો એ જ્ઞાનીને પણ અવળા રાહે તાણી જવા આતુર હોય છે.
જીવને ધર્મ કરવો છે, પણ જ્ઞાનીની આજ્ઞાએ નહીં. સાચા જ્ઞાની ખોજવા પણ નથી ને એને અનુસરવું પણ નથી. પોતાની મનમાની રીતે આકરાં પુરુષાર્થ કરવા છે પણ જ્ઞાની સીધો સરળ-સુગમ રસ્તો બતાવે, આત્મકલ્યાણનો – તો એને હરગીજ અનુસરવું નથી !
એકાંત હતી જ્ઞાની પ્રત્યે પણ રુચિનો અભાવ રહે છે એ જીવની કેવી હૃદયદશા ! ખરેખર તો જીવને અંતરાત્માથી સ્વહિત રચતું નથી. એથી જ નિષ્કામહિતસ્વી જ્ઞાની એને રુચતા નથી. જ્ઞાનીનો ઉપદેશ નિરંતર સાંભળે, વાહ-વાહ પણ કરે, છતાં હૃદયમાં બોધ ન ઉતારે, એવા પણ હોય છે.
હું જાણું છું. મને પણ ખબર પડે છે. અમુક વિષયમાં મારી જાણકારી સર્વથી અધિક છે. આવા કોઈ ભાવ લઈ જ્ઞાની પાસે જવું નહીં. જ્ઞાની પાસે જવું હોય તો સાવ કોરી સ્લેટ જેવા થઈને જવું જ્ઞાનીને એના પર જે લખવું હોય તે લખી આપે...જ્ઞાનીના આશયને હૃદયમાં ઊતારવો.
જીવન એક ખેલ છે...એ ખેલમાંના કોઈ ભાવોને ગંભીરતાથી લઈ ઉત્તેજીત ન થઈ જાઓ. સઘળા ભાવોને હળવાશથી અને ઈયાની પ્રફુલ્લતાથી સ્વીકારતા શીખો. ગંભીર બનશો તો નાહકના ભારે થઈને ફરશો. – ઘમંડમાં ને મિથ્યા તોરમાં વિહરશો. ઉત્તેજનાની માઠી અસર તન-મન ઉપર પડશે.