________________
૧૧૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
આ જગતમાં કોઈના ય પુણ્ય એવા પરમોત્કૃષ્ટ નથી કે બધું એની મનસૂબી મુજબ થાય. ચક્રવર્તીને પણ રોગ-શોક-મરણ – ન ઈચ્છે તો પણ – આવે છે. આખા જગતના તમામ જીવો ઉપાધિથી ગ્રસિત જ છે. - કરમે લખાયેલી ઉપાધિ સમભાવે વેઠવી રહી.
જ્ઞાનીઓ કહે છે કે જંજાળ ટુંકી કરો તો ઉપાધિ ઓછી થશે. ખૂબ ખરી વાત છે. જીવ નાહકની જંજાળ વિસ્તારીને અપાર ઉપાધિઓ ઉભી કરે છે. અપેક્ષા ઓછી એની જંજાળ ઓછીઃ જંજાળ ઓછી એની ઉપાધિ ઓછી...
ચિત્તની ઉપાધિરહિત દશા જાળવવી તે મોટો ધર્મ છે. જે જે અંશે રે નિરૂપાલિકપણું તે તે જાણો રે ધર્મ – એમ જ્ઞાનીઓ કહે છે. ઉપાધિવંત ચિત્ત અંદરમાં કરી શકતું નથી. અંદરમાં ઠર્યા વિના સહજાનંદ માણી શકાતો નથી.
જ્ઞાનીઓને પણ કેટલીક અનિવાર્ય ઉપાધિ વેઠવી પડે છે. પણ એ એનો ઉદ્વેગ કરતાં નથી. ઉપાધિ મધ્યે પણ એ જીવ ઠરેલો રાખે છે. આવશ્યક ન હોય એવી તો કોઈ ઉપાધિ કરવાનો જ્ઞાનીને અંતરગત રસ જ હોતો નથી. સર્વ ઉપાધિમાંથી છૂટવાનું દિલ હોય છે.
જ્ઞાનીઓને અચરજ થાય છે કે, આટલી બધી ઉપાધિઓ કરી કરીને માનવ કેવી અમૂલ્ય જીવનશાંતિ ગુમાવે છે. ઉપાધિરહિત દશામાં જે અકથ્ય સુખ રહેલું છે તે ઉપાધિ પારાવાર વેઠીને ય અંશત: પણ મેળવી શકાતું નથી. માનવ ઉપાધિનો જ વિકલ્પ કેમ પસંદ કરતો હશે ?!
અમર્યાદ અપેક્ષાઓ માનવીને સહી ન શકાય એટલી ઉપાધિમાં નાખે છે. માનવ પોતે પણ અસહ્ય ઉપાધિના ભારથી ભાંગી પડે છે. કાશ, છતાં એ ઉપાધિ ઘટાડવાનું કે અપેક્ષાઓ અલ્પ કરવાનું સ્વપ્ન ય વિચારતો નથી ?
માનવીના કેટલા પરિતાપ એના અણસમજું મનના કારણે ઉભા થયેલા છે એનો કોઈ હિસાબ નથી. સમજણ હોય તો સંતાપ ન જ હોય એમ નથી કહેવું. – પણ સમ્યફ સમજણથી ઉગ્ર સંતાપ સાવ નજીવા અને સહ્યકોટીના અવશ્ય બની જાય છે.