________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૧૦
જેને અલ્પકાળમાં સર્વ જંજાળ સમેટી લઈ શુદ્ધ-બુદ્ધ-સિદ્ધ થવાનું મન છે અને પ્રવર્તમાન ઓછીવત્તી જંજાળ પરત્વે પણ ઉદાસીનતા અને ઉપેક્ષા વર્તે છે – કારણ, એને વિશ્વાસ છે કે હવે બહુ અલ્પકાળમાં શાશ્વત છૂટકારો થવાનો છે.
થોડાથી પણ થોડો સમય સ્વભાવમાં ઠરી રહેવાનો સંકલ્પ કરીને જુઓ કે મન કેવી કેવી છલના રચી જીવને સ્વરૂપસ્થિરતામાંથી ડગાવી મૂકે છે ! માટે ઘણો દઢ સંકલ્પ અને ઘણી તીવ્ર જાગૃતિ હોય તો જ થોડી ઘણી સ્વભાવસ્થિરતા સાધી શકાય છે.
મનને યથાર્થરૂપે જોવું-જાણવું અને જીતવું એ ખરે જ ખૂબ ખૂબ કપરું કામ છે. એવી ખંત-ખેવના ખુમારી અને ખેલદિલી હોય તો જ મનને ઠેકાણે લાવી શકાય છે અને ઠેકાણે રાખી શકાય છે. મનને ઠેકાણે લાવનાર અનંત દુઃખમાંથી ઉગરી જાય છે એ નિઃશંક હકીકત છે..
જીવ, તું અભિમાન ધરીને શું ફરી રહ્યો છો – શું તે તારા મનને જીતી જાણ્યું છે ? અરે...ભલા, મનને જીતવા જતાં તો કહેવાતા માંધાતા સાધકોના ય પાણી મપાય જાય એવું છે. માટે નાહકનું ગુમાન છોડી મનને નાથવા સમ્યફ યત્ન કર.
નાથતા પહેલા...મનને, ખૂબ ધીરજ ખંતથી ઓળખવા યત્ન કરવો પડશે. મનને એના અનેકાનેક જાતભાતના રૂપમાં ઓળખવું પણ દાદ માંગી લે એવું કામ છે. મન ક્યાંથી ઉપડીને અનેક તરંગોમાં ભમતું ક્યાં પહોંચે છે એ જોવા ઘણી જાગરૂકતા જોઈએ.
અનેક તરંગોમાં કૂદાકૂદ કરતું મન...સાવ કરીને ઠામ બેસી જાય તો જ આત્માનુભૂતિ સંભવ બને. – અથવા – એકવાર જો મનના તોફાન શાંત થાય, ને આત્મદર્શન ઘટી થઈ જાય તો એના પ્રભાવથી મન સહજ વિશ્રામ પામી જાય.
મન જાતજાતના તુક્કા-તરંગ ઊભા કરી, જીવને મુંઝવે છે. - વ્યગ્ર અને વ્યસ્ત રાખે છે. જીવને એ એકપળ શાંતિથી તરંગ વિના બેસવા દેતું નથી. આ મન ઠરે ત્યારે જીવને કેવી શાંતિ-સમાધિનો અનુભવ થાય છે...એ અનિર્વચનીય છે..