________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૦૮
સંસાર મને શું આપી શકે તેમ છે ? કંઈ જ નહીં. એ કેવળ આભાસ કરાવી શકે, પણ વાસ્તવમાં આપી કશું શકે નહી. સંસાર મને ઘણું નક્કર આપી શકે એ ભૂતકાળનો ભ્રમ હવે ભાંગી ચૂક્યો છે. ખેર. મને સંસારથી કાંઈ લેવું પણ છે નહીં.
જઈ
કશું પણ મેળવવાનો અભરખો એ સંસાર છે. કશું પણ મેળવવાનું નથી. સ્વરૂપ પણ ગુમાવ્યું હોય તો મેળવવાનું રહે ને ? આથી મેળવવાનું કશું જ રહેતું નથી. ગુમાવવાનું છે. સંસાર પ્રતિનું ગાંડપણ માત્ર ગુમાવવાનું છે.
જીવનું સહજ સ્વરૂપ જ અનંત સૌખ્યદા છે... સુખ માટે એણે સ્વરૂપ સિવાય ક્યાંય લક્ષ કરવાની કે અપેક્ષા કરવાની આવશ્યકતા નથી. એક માત્ર સ્વરૂપને જ આરાધ્ય જીવ શાશ્વતકાળ માટે સુખીયો થઈ શકે તેમ છે. બસ, સ્વરૂપસાધનાની જ જરૂર છે.
જીવ ભ્રમણાથી માની બેસે છે કે મેં ઘણું સાધ્યું – ઘણું મેળવ્યું – પણ જ્ઞાનીની દૃષ્ટિએ તો જીવ ખરેખરો અવસર ખોઈ રહ્યો છે. ખરેખર શું સાધવાનું છે વા નથી એ રહસ્ય તો ઘણું ગહન છે. ખરું શું મેળવવાનું છે એ જીવે કદી વિચાર્યું જ નથી.
શુભભાવ સાધીને જીવ સાધ્યું માને તો એ તો એણે બંધન સાધ્યું છે ? શુભાશુભથી પાર રહેલો સ્વભાવ...એની સાધના કેટલી થઈ? ક્યા ભાવ વડે મંઝીલથી નિકટ પહોંચાય છે ને ક્યા ભાવ વડે મંઝીલથી દૂર જવાય છે, એની જીવને ગમ નથી.
જિનેશ્વરની આજ્ઞા સમજેલ કોઈ કર્મ બાંધવા ઉત્સુક હોતા નથી. અલ્પકાળમાં જ શુદ્ધ-બુદ્ધ થઈ સિદ્ધ થવાવાળા મહામુનિઓ, આત્મામાં કિંચિત્ પણ કર્મનો આશ્રવ થાય એવી કોઈ ક્રિયા કરવા લેશ ઉત્સુક હોતા નથી.
સાચા મુનિવરને કોઈ કર્મની એક કણ જેટલી પણ ઉપાધિ સહ્ય હોતી નથીઃ સંપૂર્ણ કર્મક્લેશથી રહિત થવાની જ એમની આંતરડીની મંછા હોય છે. કોઈ કર્મબંધથી રાચે એ જિનમાર્ગના મર્મને હજુ ગહનતાથી સમજેલ નથી.