________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૦૧
અસ્તિત્વની ગહેરાઈ એવી અતળ છે કે અનંત ઊંડા જાવ તોય એનો અંતિમ તાગ આવે નહીં. – કોઈ તળીયું જ નહીં હોવાથી તો એને અતળ કહી છે. – એ તો જેટલું ગહેરાઈમાં તમે જાવ એથી અનેકગુણી ગહેરાઈ તમને દેખાતી જ જાય...
જેનો આત્મા જ્યાં ઠરે ત્યાં એનું મૂલ્ય શું ઈ તો માત્ર ઠરેલાને જ સમજાય. ‘લયલાનું મૂલ્ય શું હોઈ શકે એ માત્ર “મજનુને જ સમજાય. પરમઅવગાઢ આત્મધ્યાનનું મૂલ્ય,આત્મધ્યાનમાં એવા ગહનગાઢ ડૂબેલાને જ સમજાય એવું છે.
ચિત્તપરિણતિ સંશુધ્ધ ન હોય તો આત્મધ્યાન લાગવું કે જાવું કઠીનતમ છે. વારંવાર ડહોળાય જતી ચિત્તપરિણતિને સંશુધ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય પણ આત્મધ્યાન જ છે. ચિત્તપરિણતિ કેમ સંકુબ્ધ થઈ જાય છે એનું ઊંડું અન્વેષણ કરવું પણ જરૂરી છે.
ચિત્તમાં સંગુપ્તપણે પણ રાગનો રસ પડ્યો હશે તો ચિત્ત એના કારણે સુબ્ધ થયા વિના નહીં રહે. ગહન આંતરસંશોધનની આવશ્યકતા છે. ઊંડે ઊંડે ય પડેલી રાગરુચિ જ આખી બાજી બગાડી નાખે છે...અનંતકાળથી આમ જ અવસરો ચૂકાતા આવે છે.
સાચી નિષ્ઠાવાળો સાધકે ચિત્તપરિણતિને શુદ્ધ-સ્થિર અને સુસંવાદી કરવી હોય તો વીતરાગ પરમાત્માનું અવારનવાર ધ્યાન કરવું. પોતે પણ જિનસ્વરૂપ છે અને એ જ પોતાનું મૂળભૂત સ્વરૂપ છે એમ સમજી; વીતરાગનું ધ્યાન કરવું.
વાનરની માફક અવિરત કૂદાકૂદ કરતું મન, આખો દિવસ અને રાત, કેવા કેવા અગણિત વ્યર્થ વિષયોમાં ઉલઝેલું રહે છે એનું – કોઈપણ સમીક્ષા વગર – શાંત નિરીક્ષણ થાય, તો ક્રમે-ક્રમે ચિત્તની વ્યર્થભ્રમણતા અલ્પ થાય. અહીં માત્ર નિરીક્ષણ જ અપેક્ષીત છે.
તમે માત્ર મનના હજારો વિવિધ વ્યર્થ તરંગોને જુઓ...મને કેવા ખેલો કરે છે એ માત્ર પ્રેક્ષક બની જોતા રહો...તો – થોડા સમયમાં મનના કેવળ વ્યર્થ ઉત્પાતો ઘટવા માંડશે. અને પ્રેક્ષક બની મનને – મનના ખેલોને જોવાની પણ મજા છે.