________________
૧૦૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
જ્ઞાનીઓ કેટલુંક કહે છે અને બાકીનું કેટલુંક કહેવાનું મુલતવી રાખે છે. તેઓ જાણે છે કે જે કહેવાયું છે તે માર્ગે કદમ-કદમ પર આગળ વધનારો જીવ આપોઆપ એવી સંપ્રજ્ઞા પામશે અને વણકહેલું સત્ય પણ સ્વયં સ્વતઃ જ પિછાણી લેશે.
પોતાની આત્મોન્નતિનો સકલ માર્ગ સાધક સ્વયંનિહાળતો થઈ જાય એવું એની દૃષ્ટિ ઉઘાડવાનું જ મુખ્ય કામ જ્ઞાની કરે છે. કામ અંદરનું છેઃ સાધક જ પોતાના અંતરંગને ભાળી શકે છે. એથી અંતરંગની ઘણી ગૂંચ તો સાધકે જ ઉકેલવાની છે.
વસ્તુતઃ આત્મોન્નતિનું મહાભગીરથ કાર્ય તો સાધકે જાતે જ કરવાનું છે. – કોઈના ભુજાબળથી ભવસમુદ્ર તરાતો નથી...આવી મહાન જવાબદારી સમજ્યા સંભાળ્યા વિના, કોઈ જીવ ખરેખરૂં આત્મહિત સાધવા સમર્થ થઈ શકે એ સંભવિત જ નથી.
DOS મનુષ્ય પ્રમાણિકતાથી પૂરેપૂરો યત્ન કરે ત્યારે જ એ પ્રભુકૃપાને લાયક બને છે. બાકી પ્રભુ મારું કાર્ય કરી આપશે – માત્ર પ્રાર્થના જ પર્યાપ્ત છે – એવું માની લેવું યોગ્ય નથી. ન ભૂલોઃ કાર્ય તો એના નિશ્વિત વિજ્ઞાન અનુસાર જ થઈ શકે છે. અન્ય રીતે ત્રણકાળમાં ન થાય.
સાધકને પ્રાર્થનાનો ઘણો મોટો સહારો છે...એનાથી અસીમ હૈયાધારણ અવશ્ય મળે છે. પ્રાર્થના વડે અંતઃકરણ સુકોમળ અને આદ્ર રહે છે. પ્રાર્થના આધ્યાત્મિક ઝંખનામાં રૂપાંતરીત થાય છે; ને આત્મહિતની અદમ્ય ઝંખના અવશ્ય કારગત નીવડે છે.
જીવ ગુરુની પાછળ ઘેલો થઈ જાય છે ત્યારે યોગ્ય સમયે ગુરુ એને ચીમકી આપતા જ રહે છે. શિષ્ય આત્મોન્મુખી કેમ થાય એ જ ગુરુની મંછા હોય છે. વખત મળ્યે આકરી ટકોર કરીને પણ ગુરુ એને સ્વાશ્રયી થવા પ્રેરે છે.
પરાપૂર્વથી ચાલ્યો આવતો અધ્યાસ ચિત્તને વારંવાર ઘરેડપરસ્ત બનાવી વ્યર્થ વિકલ્પોના વમળમાં અટવાવી દે છે. ચિત્ત કેવી કેવી મુદ્ર અને વ્યર્થ વાતોમાં ભમતું રહે છે! વ્યર્થતામાંથી પરમ સાર્થકતામાં આવવું ઘણી જાગૃતિ માંગી લે છે.