________________
૧૦૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
=
માનવ બહાર દોડી અસ્તિત્વથી વિમુખ થશે એટલો અવ્યક્ત અજંપો એને વધુ ઘેરી રહેવાનો છે. પ્રથમ તો અસ્તિત્વની નીકટ જઈ એની વેદના સમજવાનો સુયત્ન કરવા જેવો છે. ઉકેલ બહારમાં નથી: સમસ્યા પણ અંતરંગ છે ને સમાધાન પણ અંદરથી જ મળશે.
જીવ કેમ વાસ્તવિકતામાં નથી આવતો ? શા માટે એ વાસ્તવિકતાને ભૂલવા મથે છે ? જેવું છે એવું જગત નિહાળી લેતા એને કેમ આંચકો લાગે છે ? ભૂંડી વાસ્તવિકતા ઉપર કલ્પનાના રમ્ય રંગો ચઢાવી એ શા માટે હકીકતોથી આંખમિંચામણા જ કરે છે.
ઊંડું અસ્તિત્વ દિન-રાત કોની ઉણપ મહેસૂસ કરે છે એ કોઈ સાચા નિષ્કામ હિતસ્વી રાહબરની ઉણપ મહેસૂસ કરે છે ? જે વિકારી વમળમાં પોતે અટવાયેલ છે – અનેક બ્રાંતખ્યાલોથી ભરમાયેલ છે, – એમાંથી બહાર લાવનાર તારણહારની ઉણપ એને સાલે છે ?
હે નાથ ! મારી જીવનભરની સઘળીયે ઝંખનાઓ ભૂંસી નાખીને તારે જે કોઈ અલગ જ પ્રદાન મને કરવું હોય તો મને એ માન્ય છે. હું તો અંત:કરણથી સ્વનું અને સમષ્ટિનું જેટલું મહત્તમ શ્રેય સધાય તેટલું સાધવાના સ્થિતિ-સંજોગ ઝંખુ છું – અન્ય કશું જ નહીં.
જેનું સ્વહિતકારી કે પરહિતકારી પરિણામ કશું જ નથી એવા વ્યર્થ વિકલ્પો વિચાર તરંગોથી વીરમી શકે એવા વિવેકવાન ચિત્તમાં જ પારમાર્થિક ભાવોનો પ્રાદુર્ભાવ થઈ શકે છે. ચિત્ત જેટલું અરીસા જેવું ચોખ્યું એટલે એમાં સત્યનું પ્રતિબિંબ સ્પષ્ટ પડશે.
જીવનભરના પ્રચંડ અહંકારથી ઉભો કરેલો “હું પણાનો મિથ્યાભાવ ઓગાળી નાખઃ અને તારા સાચા સનાતન-શાશ્વત હુંની સંભાળ કર. અહંકારજન્ય હું તને પ્રિય હોય તો પછી તારૂં મૂળ અસ્તિત્વ તને રુચતું જતું નથી એ સ્પષ્ટ થાય છે. એની દરકાર તારાથી કેમ થશે ?
ઉભો કરેલો મિથ્યા ઘમંડ જો પ્રિય હોય તો અધ્યાત્મ જગતમાં પ્રવેશવાનો પણ જીવ અધિકારી નથી. કારણ અધ્યાત્મની મંગલ શરૂઆત જ ઘમંડના વિલીનીકરણથી થાય છે. અધ્યાત્મનું પ્રયોજન પણ જૂઠા અહંકારને ઓગાળવાનું છે.