________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૯૯
જ્ઞાનીઓએ સુખપ્રાપ્તિની જગતથી સાવ નિરાળી-ન્યારી દિશા કેમ પકડી હશે ? સુખ માટે તો આખું જગત દોડે છે, પણ એથી અત્યંત નિરાળા રાહે વિહરી જવાનું કેમ મુનાસીબ માન્યું હશે જ્ઞાનીઓએ ? ...વિચાર્યું છે કદિય ? વિચારવા જેવું છે.
જ્ઞાનીઓને જે સાફ-સાફ દેખાય-પેખાય છેએ આપણને કેમ ઝાંખુ પણ દેખાતું નથી ? સંસારને ગહનદૃષ્ટિથી વિલોકતા જ્ઞાની સ્વભાવતઃ સંસારથી ઉભગતા જાય છે...અને આપણે જેમ જેમ વિશ્વને વિલોકીયે છીએ તેમ તેમ વધુ ને વધુ વ્યામોહિત કેમ થઈએ છીએ ?
જ્ઞાની કાંઈ વૈરાગ્યભાવનું ઉપલકથી આત્મા પર આરોપણ કરતાં નથી. વૈરાગ્ય એ કાંઈ એમણે ઉપરથી ઓઢી લીધેલ આંચળો નથી. વૈરાગ્ય એમની અંતર્યજ્ઞામાંથી સહજ પાંગરેલ બોધરૂપ હોય છે - એ વિરાગની જાત જ સાવ જુદી છે.
સંસારનું જેવું છે તેવું પ્રમાણિક દર્શન કરતાં આપણે શીખવાનું છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ – કશાય આરોપણ-પ્રક્ષેપણ વિના – જોવાથી તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. આપણી દૃષ્ટિ એથી આમૂલ બદલાય રહે છે. નિત્ય નુત્તન, નિરાળું દર્શન લાવે છે.
વત્યુ સહાઓ ધમ્મ – વસ્તુનો સ્વભાવ પિછાણીને ચાલવું એ ધર્મ છે. વિશ્વના તમામ સચરાચર પદાર્થોના સ્વભાવનો યથાર્થ પરિચય લાધે એવું ચિંતન એ જ તત્ત્વચિંતન છે. પછી તો – પ્રત્યેકના સ્વભાવ પિછાણી અવિરોધભાવે એનો સ્વીકાર કરવાનો છે. ઘણી મહાન વાત છે આ.
DO આત્મદર્શન..કોઈ નિશ્વિત પ્રકારના પ્રયાસ વડે નિશ્વિત ઊપજે એવી વસ્તુ નથી. બધે બધા જ પ્રયાસો શમી જાય ત્યારે અનાયાસ ઘટના ઘટે છે. આત્મજ્ઞાનનું ખરું રહસ્ય તો જેને આત્મજ્ઞાન સંભવે છે. એને જ સમજાય છે. મુક્તિનું રહસ્ય પણ એ પછી સમજાય છે.
આત્મજ્ઞાન અલગ વાત...પણ આત્મામાં ઠરવું એ પુરુષાર્થ માંગી લે છે. રાગ-દ્વેષ-પ્રસાદ-મૂઢતા આદિ સર્વ બાધકભાવો દૂર કરવા પડે છે. મનનું ચાંચલ્ય સાવ નાબૂદ કરવું પડે છે ને સ્થિર જામી રહેવાનો અભ્યાસ કેળવવો પડે છે.