________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સંસાર બાજુ દષ્ટિ રાખી સાર મેળવવા મથવું એ કેવળ સંતાપ ને ઉદ્વિગ્નતા વધારવાનું જ કાર્ય છે.
જ્યાં જે નથી ત્યાંથી તે મેળવવા વ્યર્થ મથામણો કરી કરી જીવ કેવળ ફ્લેશ જ મેળવે છે. આ જ એનું ગાઢ મિથ્યાત્વ સૂચવે છે.
જીવ તું ખરે જ સુખી થવા ચાહતો હો તો સંસાર બાજુથી દષ્ટિ ઉઠાવી લઈ આત્મદષ્ટિ કેળવ. અર્થાત્ આત્મહિતની દરકાર કર...જો દુખી થવું હોય તો જ જગત બાજું દષ્ટિ જવા દેજે..સુખ-દુઃખની આ જ પરિભાષા છે.
સંસારથી સરિયામ ઉદાસીન થઈને એ બાજુથી બિલકુલ નજર ફેરવ્યા વિના અને દૃષ્ટિ ધ્રુવસ્વભાવમાં સુપેરે જોડ્યા વિના ત્રણકાળમાં કોઈને સાચું સુખ લાવ્યું નથી કે લાધવાનું પણ નથી, આ અફર સત્ય
સંસારના કટુ અનુભવો જ્યારે થાય છે ત્યારે જીવ એને ભૂલવા વ્યર્થ ફાંફા મારે છે. એ દારૂ વિ. લતે ચઢી જાય છે. પણ અગાઉથી તત્ત્વજ્ઞાન વાગોળીને, વાસ્તવિકતા સમજી લેતો હોય તો એકાએક ગાઢ આઘાત અનુભવવાનું બને નહીં.
સ્વીકાર બહું મોટી વાત છે. વાસ્તવિકતા જેવી છે એવી સ્વીકારી લેવાથી એ પરત્વેનું આપણું વલણ મધ્યસ્થતાયુક્ત બની જાય છે. અગાઉથી વસ્તુસ્થિતિનો એમ જ સ્વીકાર હોય તો એ વસ્તુસ્થિતિ ઓછી દુઃખદ બને છે. અને ચિત્તમાં ઠીક સમાધાન વર્તે છે.
પત્નિ બેવફા થઈ શકે છે. પુત્ર બેકદર બની શકે છે. મિત્ર અ-મિત્ર થઈ જાય એવું બની શકે છે. સંસારમાં શું શું ય થઈ શકે છે. સંસારમાં કશું પણ બને તેની નવાઈ નથી. વાસ્તવિકતા સમજી બેઠાલાને કશાથી એવો આંચકો લાગતો નથી.
જે સુખથી ઉદાસીન બનશે એ જ દુ:ખથી પણ ઉદાસીન રહી શકશે. ઉદાસીનનો અર્થ ઉદાસી એવો નથી પણ એક પ્રકારની લાપરવાહી. સુખની જેને પરવા નથી એ દુઃખથી પણ લાપરવા બની શકે છે – અલિપ્ત રહી શકે છે. એની પરવા કોઈ ઓર જ હોય છે.
કકકકકકકકક