________________
૫૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
આત્મબોધ થયા માત્રથી સાધના સમાપ્ત નથી થઈ જતી. બલ્ક, પછી જ ખરેખરી સાધના આરંભાય છે...આત્મબોધ વધુને વધુ વિશદ બનાવવાનો છે. આત્માની સ્મૃતિને ઘૂંટી-ઘૂંટીને, એવી ગજબનાક સતેજ કરવાની છે કે પુનઃ કદી એનું વિસ્મરણ થવા ન પામે.
દિવસ કે રાત્રીના જ્યારે પણ અવસર સાંપડે ત્યારે શાંત - સૂનમૂન થઈ સ્વ-અસ્તિત્વમાં તલ્લીન – તદાકાર થઈ જવાનું છે, – જાણે દેવમંદિરની પ્રતિમા. સ્વબોધ સુસ્પષ્ટ પામ્યા પછી સ્વભાવમય બનતા જ રહેવાનું છે...
સ્વબોધ થવો અલગ વાત છે અને સ્વમાં સ્થિરતા જામવી એ અલગ વાત છે. સ્થિરતા વધે એમ શુદ્ધિ વધે છે – મનની ચંચળતા અને મલીનતા ઘટે છે. ખરી મજા સ્વરમાં સ્થિર થવાની છે. સ્વરૂપસ્થિરતામાં અનંતગહન સુખ રહેલું છે.
અપાર કહેવું છે...પણ વાણીથી કહી શકાતું નથી. સ્વરૂપ સ્થિરતાનો મહિમા અપરંપાર છે. જેને સ્વરૂપસ્થિરતા સાધતા આવડી ગયું એનો બેડો પાર થઈ ગયો. આત્મસ્થિરતાના અતુલ આનંદમાં બીજું બધું વિસરી જવાય છે, અનાયાસ.
જDON આત્માને નિરંતર પૂછવું જોઈએ કે આત્મનું, તને શેનો ખપ છે...? એ ખપનું પ્રયોજન શું છે ? ધાર કે તને એ વસ્તુ મળી ચૂકી તો શું તું પરમતૃપ્ત થઈ જઈશ ? – કે તારી કલ્પના માત્ર છે, કે પછી તને ખુદને જ ખબર નથી કે ખરેખરો ખપ શેનો છે !
જીવને ખરેખરો ખપ તો શાંતિ, સંતોષ, આનંદનો જ છે. સવાલ મહત્વનો એ છે કે એ સ્વમાંથી મળે છે કે પરમાંથી ? જ્યાંથી એની ઉપલબ્ધિ સંભવ હોય ત્યાં તે બાજું લક્ષ કરવું રહ્યું. માટે જ સ્વલક્ષ કરવા સંતો પોકાર કરે છે.
સ્વભાવથી વિપરીત જઈ પરલક્ષ કરવું હોય તો તેમ કરવા જીવ સ્વતંત્ર છે – પણ, એણે તલાસવું જોઈએ કે એથી સુખ-સમાધિ સાંપડે છે કે મનની વ્યગ્રતા. “પરમાં કંઈક તો સુખ છે' – એવી ધારણા જ ભ્રાંતિ છે. ભ્રાંતિસેવનનું ફળ, શાંતિ-સુખ-સંતોષ ક્યાંથી આવે ?